Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

Social Share

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું.

દક્ષિણ ભારતના રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. CWC દ્વારા ભારતના વિવિધ પ્રદેશોમાં જળાશયોના સંગ્રહ સ્તર અંગે જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, દક્ષિણ પ્રદેશમાં પંચની દેખરેખ હેઠળ 42 જળાશયો છે જેની કુલ સંગ્રહ ક્ષમતા 53.334 BCM (બિલિયન ક્યુબિક મીટર) છે. નવીનતમ અહેવાલ મુજબ, આ જળાશયોમાં વર્તમાન કુલ સંગ્રહ 8.865 BCM છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર 17 ટકા છે.

આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન (29 ટકા) અને સમાન સમયગાળાની દસ વર્ષની સરેરાશ (23 ટકા) કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. દક્ષિણ પ્રદેશમાં જળાશયોમાં સંગ્રહનું નીચું સ્તર આ રાજ્યોમાં વધતી જતી પાણીની અછત અને સિંચાઈ, પીવાના પાણી અને જળવિદ્યુત માટે સંભવિત પડકારોનું સૂચક છે.

પૂર્વીય ક્ષેત્રમાં, જેમાં આસામ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે, ગયા વર્ષની સરખામણીમાં અને દસ વર્ષની સરેરાશની સરખામણીમાં જળ સંગ્રહ સ્તરમાં સકારાત્મક સુધારો નોંધાયો છે. કમિશને જણાવ્યું હતું કે, પ્રદેશમાં, 20.430 બીસીએમની કુલ સંગ્રહ ક્ષમતા ધરાવતા 23 મોનિટરિંગ જળાશયોમાં હાલમાં 7.889 બીસીએમ પાણી છે, જે તેમની કુલ ક્ષમતાના 39 ટકા છે. આ ગયા વર્ષના સમાન સમયગાળા (34 ટકા) અને દસ વર્ષની સરેરાશ (34 ટકા) ની સરખામણીમાં સુધારો દર્શાવે છે.

પશ્ચિમ ક્ષેત્રમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે અને ત્યાં સંગ્રહ સ્તર 11.771 BCM છે જે 49 મોનિટરિંગ જળાશયોની કુલ ક્ષમતાના 31.7 ટકા છે. આ ગયા વર્ષના સંગ્રહ સ્તર (38 ટકા) અને દસ વર્ષની સરેરાશ (32.1 ટકા) કરતાં ઓછું છે. તેવી જ રીતે ઉત્તર અને મધ્ય પ્રદેશોમાં પણ જળ સંગ્રહ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે.

(Photo-File)