ભાવનગરઃ જિલ્લાના તળાજા, મહુવા અને પાલિતાણા વિસ્તારમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું સારૂએવું વાવેતર થયું છે. હવે પાકને પાણીની જરૂર હોવાની ખેડુતોએ શેત્રુંજીમાં પાણી છોડવાની માગ કરી હતી. શેત્રુંજી ડેમમાંથી આખરે રવિ પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. પ્રારંભિક તબકકે જમણા-ડાબા બન્ને નહેરોમાં 70 કયુસેકથી પાણી છોડવાનું શરૂ કરાયુ છે અને તેમાં ક્રમશઃ વધારો કરવામાં આવશે તેમ સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તળાજા, મહુવા, પાલીતાણા ઘોઘા સહિત શેત્રુંજી જળાશયનાં કમાન્ડ વિસ્તારમાં આવતા શેત્રુંજી નહેર ડાબા જમણાકાંઠાનાં ખેડૂતોને રવિ પિયત માટે પાણી છોડવા માટે પાણી છોડવાની માંગણીનાં અનુસંધાને શેત્રુંજી સિંચાઇ શેત્રુંજી સિંચાઇ સલાહકાર મંડળની મીટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ અપૂરતા ફોર્મ આવતા પાણી છોડવામાં વિલંબની શકયતા હતી તળાજા, મહુવા અને પાલીતાણાના ધારાસભ્યો દ્વારા સિંચાઈ અધિક્ષકને પોતાના વિસ્તારના ખેડૂતોને પિયત પાણીની જરૂરિયાત હોય શેત્રુંજી ડેમમાંથી નહેર માટે પાણી છોડવા માટે રજુઆત કરવામાં આવી હતી. હાલ શેત્રુંજી ડેમમાં 7756 એમ.સી.એફ. ટી પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય સિંચાઈ માટેની કુલ જમીન પૈકી 5825 હેક્ટરના 50% ફોર્મ રજૂ થયેથી પાણી છોડવા વિચારણા થઈ હતી. જે પૈકી કુલ 300 હેક્ટરના ફોર્મ ભરાયા હતા અને બાકીના ફોર્મ વહેલીતકે ભરાશે તેવી ખાતરી મળતા આજે ડેમમાંથી પ્રારંભમાં જમણાકાંઠામાં 70 કયુસેક અને ડાબા કાંઠામાં પણ 70 કયુસેડ પાણી છોડવાનું શરૂ કર્યુ છે. અને સમય જતા તેમા ક્રમશઃ વધારો કરવામાં આવશે જેથી બાકી રહેલા ખેડૂતો વહેલીતકે પોતાના માગણી ફોર્મ રજૂ કરે તેવી અપીલ કરવામાં આવે છે.