Site icon Revoi.in

AMCના સ્લમ ક્વાટર્સના રિડેવલપ બાદ 3 મહિનાથી પાણીની સમસ્યા, રહિશોએ મચાવ્યો હોબાળો

Social Share

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી એએમસીના જર્જરિત બનેલા સ્લમ ક્વાર્ટર્સને રિડેવલોપ કરવામાં આવ્યા છે. અને ત્રણ મહિના પહેલા જ 448 લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સ્લમ ક્વાર્ટર્સમાં પાણીની વિટક સમસ્યા ઊભી થતાં અને બિલ્ડર દ્વારા પણ કોઈ જવાબ અપાતો ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન એએમસીના અધિકારીઓ દાડી ગયા હતા. અને પાણીની સમસ્યા બે-ચાર દિવસમાં ઉકેલવાની ખાતરી આપી હતી.

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના  સ્લમ ક્વાર્ટર્સને જ રિડેવલોપમેન્ટ કરી ત્રણ મહિના પહેલા 448 જેટલા મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવેલા છે. છેલ્લા 15 દિવસથી સ્લમ ક્વાર્ટર્સમાં પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહીશો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, બિલ્ડર દ્વારા યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. પાણીની ટાંકી માત્ર દસ મિનિટમાં ખાલી થઈ જાય છે, જેના કારણે લોકોને હેરાન પરેશાની ભોગવવી પડે છે. લોકોને બહારથી એક જગ પેટે ₹40 ખર્ચીને પીવાનું પાણી લાવવું પડે છે. બિલ્ડર દ્વારા યોગ્ય જાળવણી ન કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ખોખરા સ્લમ ક્વાર્ટર્સમાં પાણીની સમસ્યા અંગે ત્રણ દિવસ પહેલા મને જાણ કરવામાં આવી હતી,  જેથી તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ  એએમસીના અધિકારીઓએ આ મામલે તપાસ કરતાં કોઈ સ્થળે પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે. અને તેને તાત્કાલિક રિપેર કરવામાં આવી છે. જે મકાનો હાલ બંધમાં છે ત્યાં કોઈ નળ ચાલુ છે કે લીકેજ છે તે અંગે અધિકારીઓને તપાસ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

AMC હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીના કહેવા મુજબ પાણીની સમસ્યા અંગેની ફરિયાદ આવી હતી. જે મામલે બિલ્ડરને જાણ કરવામાં આવી હતી. કોઈ પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોય તેવું ધ્યાનમાં આવતા મોડી રાત્રે રિપેર કરી દેવામાં આવી છે. મ્યુનિ.ના અધિકારીઓની ટીમ દ્વારા ક્વાર્ટર્સમાં તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ પાણીનું લીકેજ અથવા અન્ય કોઈ સમસ્યા હશે તો તેને દૂર કરવા બિલ્ડરને તાકીદે સૂચના આપવા આવશે.