ચોટિલા તાલુકાના 43 ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોઓ પાણીની મટકી સાથે કરી રજુઆત
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો પણ અન્ય તાલુકાની સરખામણીએ ચોટિલા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. ચોટિલા તાલુકાના 43 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે 43થી વધુ ગામોના અગ્રણીઓ દ્વારા મટકી સાથે મામલતદારને આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર નલ સે જલ યોજનાનો દાવો કરે છે પણ આ યોજના ક્યા છે. એવો પ્રશ્ન ગ્રામજનોએ ઉઠાવ્યો હતો.
ચોટીલાના 43થી વધુ ગામોના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલા તાલુકાના 43 ગામમાં હજુ પીવાનું પાણી પહોંચ્યું નથી. સરકાર દ્વારા તમામ ગામોને નલ સે જળ યોજનાથી પાણી પહોંચાડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચોટિલા તાલુકાના ગામડાં આજે પણ પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો શિયાળામાં આ સ્થિતિ હોય તો ઉનાળામાં શુ થશે. સરકારે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કાયમી ઉકેલ શોધવો જોઈએ.
ચોટિલા તાલુકાના ગ્રામજનો આગેવાનોએ મોટી સંખ્યા એકત્ર થઈને સ્થાનિક આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં મામલતદાર કચેરીએ રજૂઆત કરી એક અઠવાડિયાનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. આ આવેદન પત્ર સાથે માટીની મટકી આપીને પીવાનું પાણી કેવી રીતે ચોરાઈ જાય છે, તે હકીકતથી ચોટીલાના સરકારી બાબુઓને સમગ્ર હકીકત વિગતવાર સમજાવી હતી. જેમાં આ નવતર મટકી આવેદન આપવા મોટી સંખ્યા ગ્રામજનો એકઠા થયા હતા. અને ચોટીલા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અને સરકારી તંત્રને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.