અમદાવાદના કૂબેરનગરમાં પાણીની સમસ્યા, લોકોએ માટલાં સાથે મ્યુનિ કચેરીમાં જઈ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરમાં વધતા જતાં તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધાતો જાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તંત્રના વાંકે લોકોને પાણીની સમસ્યા ભાગવવી પડે છે. જેમાં કુબેરનગર વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ પાણીની પાઇપલાઇનનું જોડાણ ન કરાતાં છતાં પાણીએ લોકો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. આથી કુબેરનગર વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ મેમકો રોડ ઉપર આવેલી એએમસીની ઉત્તર ઝોનની ઓફિસમાં માટલા સાથે જઈને પ્રદર્શન કર્યુ હતુ.
શહેરના કુબેરનગર વિસ્તારમાં લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે આ વિસ્તારના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કહ્યુ હતું કે, કુબેરનગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું નથી. પીવાના પાણીની પાઇપલાઇનનું જોડાણ કરવા માટે મ્યુનિ.ના અધિકારીઓ સ્થળ પર જાય છે, ત્યારે તેમને જોડાણ કરવા દેવામાં આવતું નથી. કહેવાય છે. કે, ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા પાઈપલાઈન જોડાણ સામે વિરોધને લીધે મ્યુનિ.ના અધિકારીઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખી જણાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના અસારવા અને કુબેરનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે અસારવા વિસ્તારમાં રૂપિયા પાંચથી છ કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. અસારવા અને કુબેરનગર વોર્ડ બંનેના રહીશોને પાણી મળી રહે તે મુજબ આ પાણીની ટાંકી બનાવવામાં આવી છે. અને રૂપિયા એક કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન પણ નાખી દેવામાં આવી છે. પરંતુ પાઇપલાઇન અને પાણીની ટાંકી વચ્ચેનું જોડાણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવતા આ જોડાણ કરાયું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાણ કરવા તૈયાર છે અને નાગરિકોને પીવાના પાણી પૂરું પાડવા માટે કામગીરી કરવા માગે છે પરંતુ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો જ અન્ય વોર્ડના રહીશોને પાણી ન મળે તેના માટે વિરોધ કરી રહ્યા છે. આથી મ્યુનિની ઉત્તર ઝોનની કચેરીમાં ખાલી માટલાં સાથે વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.