રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થાય એટલે પાણીની રામાયણ સર્જાતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામેગામ નર્મદાનું પાણી અપાતું હોવાથી ઘણી રાહત થઈ છે, પરંતુ તંત્રના વાંકે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. ધોરાજી શહેરમાં ઉનાળોના પ્રારંભે જ પાણીની સમસ્યા ઊભી થઈ છે. ધોરાજી શહેરની બાજુમાં ફોફળ અને ભાદર ડેમ આવેલા છે જેમાં પાણીનો જથ્થો પણ વિશાળ પ્રમાણમાં છે, માત્ર નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલતી ન હોવાથી શહેરના અલગ અલગ વોર્ડમાં પાણીના સમસ્યા ઊભી થઈ છે.
ધોરાજીમાં નગરપાલિકાના તંત્રની નિષ્કાળજીને કારણે શહેરીજનો પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર સાત સંજયનગર વિસ્તારની મહિલાઓ પાણીની સમસ્યા માટે રજૂઆત કરવા નગરપાલિકા કચેરીએ પહોંચી હતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે સંજય નગર વિસ્તાર ધોરાજીના જમનાવડ રોડ પરનો છેલ્લો વિસ્તાર છે આ વિસ્તાર પરત્વે નગરપાલિકા સત્તાધિશો ભેદભાવ રાખી રહ્યા છે,. છેલ્લા ઘણા સમયથી સાત સાત દિવસે પાણીનું વિતરણ થાય છે. જ્યારે પાણી આવે ત્યારે પૂરતો ફોર્સ ન હોવાથી ઘરમાં જરૂરિયાત પ્રમાણેનું પાણી ભરી શકાતું નથી અને પાણીની સપ્લાય પણ મોડી રાત્રે પાણી આપવાથી આ વિસ્તારના લોકોએ રાત્રે જાગીને પાણી ભરવું પડે છે, છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત તંત્ર ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, નગરપાલિકાના સત્તાધિશોને રજુઆત કરવા આવેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ને પાણી પશ્ર હલ કરવા નારા લગાવ્યા હતા.
આ અંગે ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં ફોફળ ડેમમાંથી આવતી મુખ્ય પાઇપલાઇનમાં ચાર જગ્યાએ વાલ્વ લીકેજની સમસ્યા ઊભી થઈ હોવાથી પાણીની સપ્લાય મોડી થઈ રહી છે લાઈન રીપેર કરવા માટે નગરપાલિકા દ્વારા કાયવાહી હાથ ધરાઈ છે . પાણીનું વિતરણ વહેલાસર નિયમિત રીતે થાય તે પ્રકારના પાલિકાના પ્રયાસો છે . પાણીની મુખ્ય પાઇપલાઇનમાં રીપેરીંગ કામ ચાલતું હોવાથી કદાચ હજુ પણ સપ્લાય વિલંબમાં પડે તે માટે ધોરાજી શહેરમાં માઇક ફેરવી જાહેરાત પણ કરવામાં આવી છે.