સુરેન્દ્રનગરઃ ધોળી ધજા ડેમને નર્મદાના નીરથી સમયાંતરે ભરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાં પાણીનું વિતરણ થતું હોવાથી ધોળીધજા ડેમને સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવામાં આવે છે. પણ સુરેન્દ્રનગરના કેટલાક ગામો તંત્રના વાંકે પાણીની સમસ્યાનો વિકટ સામનો કરી રહ્યા છે. જેમાં મુળી તાલુકાના ગામડાંઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મોટાભાગના ગામડાંઓમાં નર્મદાનું પાણી મળતું નથી. જેથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. મૂળીનાં તમામ ગામોમાં પાઇપલાઇન થકી નર્મદાનું પાણી મળે તે માટે ગામડાંઓના સરપંચોએ ધારાસભ્ય અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. તેમ છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. મૂળી તાલુકામાં વર્ષોથી નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે મળે તે માટે ખેડૂતો રજુઆતો કરી રહ્યા છે. પરંતુ 2-2 લાઇન તાલુકામાંથી પસાર થતી હોવા છતાં કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
મૂળી તાલુકાનાં વગડિયા ગામે પીવા માટે પાણી મળે તે માટે થોડા સમય પહેલાં ગામનાં સરપંચ હસુભાઇ પનારા અને લાભુભાઇ અગોલા દ્વારા ગામનાં સરપંચનાં લેટર પેડ સાથે પાણી આપવા ધારાસભ્ય શામજી ચૌહાણને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ હતી. અને નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે તેવી માંગ કરાઇ હતી. પરંતુ તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન થતા હાલ ટેન્કરરાજ ચાલુ થયા છે. જેથી પાણીને લઇ સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે મૂળીના ગ્રામ્ય વિસ્તારને પીવા માટે પાણી મળે તે માટે સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી રજૂઆત કરાઇ હતી અને પાણી આપવા માંગ કરાઇ હતી. તેમ છતાં કોઇ જ વ્યવસ્થા ન થતા હાલ પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર પાણી નિયમિત પાણી અપાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.