Site icon Revoi.in

ગાંધીનગરમાં એકથી પાંચ સેક્ટરમાં પાણીની સમસ્યા, ઓછા પ્રેશરથી પાણી અપાતા મુશ્કેલી

Social Share

ગાંધીનગર:  શહેરમાં વધતા જતા તાપમાન સાથે પાણીનો વપરાશ પણ વધતો જાય છે.  ત્યારે ઘણા દિવસથી શહેરના સેકટર 1, 2, 3, 4, અને 5માં પાણીનો કકળાટ શરૂ થયો છે. પુરતા પ્રેશરથી પાણી આવતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજુઆત કરી છે. કહેવાય છે. કે બોરના પાણીના તળ ઊંડા જતાં આ સમસ્યા જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં કુલ 60 એમએલડી પાણીનો વપરાશ છે. જેમાં 30 એમએલડી સેક્ટર 1 થી 14 ને સરિતામાંથી સપ્લાય કરવામાં આવે છે. જ્યારે 30 એમએલડી સેક્ટર 15 થી 30 ને ચરેડી વોટર પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવે છે.  પાણીની લાઈનમાં શરૂઆતમાં બોરનું અને બાદમાં નર્મદાનું પાણી આવે છે. શહેરમાં સવારે છ થી આઠ સુધી પાણી આપવામાં આવે છે.  શહેરના સેક્ટરોમાં પાણી સપ્લાય કરતી લાઈન અંદાજીત 30 થી 40 વર્ષ જૂની છે. શહેરમાં જમીનનો ઢાળ પણ આડો-અવળો હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણીની લાઈન ખાલી થઈ જાય છે. પાટનગરમાં કેટલાક સેક્ટરમાં પાણીની લાઈનો ખાલી થઈ જાય છે. તેથી આ પાણીની ખાલી લાઈનો બોરિંગના પાણીથી ભરવી પડે છે. આ લાઈનો જો ખાલી રહી જાય તો નર્મદાના પાણીનું પ્રેશર ઓછું આવે છે. તેથી રાત્રે એક બે વાગ્યે બોરિંગ શરૂ કરવામાં આવે છે. સવારે અંદાજિત 8:30 વાગે બોરિંગ બંધ કરવામાં આવે છે. બોરિંગના પાણીની સાથે નર્મદાનું પાણી પણ લાઈનમાં છોડવામાં આવે છે. જો બોરિંગના પાણીથી લાઈન ભરવામાં ન આવે તો કેટલાક સેક્ટરમાં પ્રેશર ઓછું થઈ જાય છે અને પાણી પહોંચતું નથી. તેથી પાણી પુરતા પ્રેશરથી આપી શકાતું નથી.

પાટનગર યોજના ભવનના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગરમાં કેટલાક સેક્ટરમાં બોર ફેલ થઈ ગયા હોવાથી પાણીનું પ્રેશર ઓછું આવી રહ્યું છે. નવા બોરની માંગણી કરવામાં આવી હતી. હાલમાં ત્રણ નવા બોર બની રહ્યા છે. આ બોરિંગ તૈયાર થઈ ગયા બાદ ફરીથી રાબેતા મુજબ પાણીનું પ્રેશર મળશે.