ભાવનગરમાં કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ટેન્કરોથી પહોંચાડાતું પાણી
ભાવનગરઃ ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોચી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. હાલ શહેરના કુંભારવાડા સહિત કેટલાક વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈનમાં દુર્ગંધવાળું પાણી મળતુ હોવાની સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.કોર્પોરેશનને રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા પાણીના ટેન્કરો મોકલીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં વસતી વધુ હોવા છતાંયે મ્યુનિ. દ્વારા એક-બે ટેન્કર મોકલીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટરોને પાણીની સમસ્યાની અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના કુંભારવાડાના સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે, દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાની તીવ્ર શક્યતાઓ છે. ત્યારે રહીશો દ્વારા મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને માંગ કરી છે કે વહેલી તકે પાણીની લાઇન મરામત કરવી જોઈએ. મ્યુનિ.ને રજૂઆત કરતા એક-બે ટેન્કરો મોકલી રહ્યા છે, પણ એનાથી વિસ્તારના રહીશોને પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા.
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના વોટર વર્કર્સ વિભાગનાં અધિકારીના કહેવા મુજબ ઉનાળાની શરુઆત થતા રોજના 30 થી 40 જેટલા ટેન્કરો દરરોજ શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ટેન્કરો પહોચાડી પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરના કેટલાક વિસ્તારોમાંથી પાણીની ફરિયાદો મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણી મળતુ ન હોવાની પણ ફરિયાદો મળે છે. હાલ રોજ 30થી 40 ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. જરૂર પડશે તો વધુ પાણીના ટેન્કરો મોકલીશું.