Site icon Revoi.in

ભાવનગરના સિહોરમાં પાણીની સમસ્યા, કેટલાક વિસ્તારોમાં 10 દિવસે કરાતું પાણીનું વિતરણ

Social Share

ભાવનગરઃ જિલ્લાના ઘણાબધા ગામડાં અને નાના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેમાં તાલુકા મથક એવા સિહોર શહેરમાં તો 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે.  શહેરનું ગૌતમેશ્વર તળાવ ખાલી છે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે.

ઉનાળો પોતાના અસલ મિજાજમાં આવી ગયો છે. અને ઉનાળામાં લોકોને પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે આવા સંજોગોમાં જ પાણીની ખેંચ ઊભી થતાં સિહોરવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજય સરકારમાં મંત્રી પરશોતમ સોલંકીના મત વિસ્તાર સિહોરમાં પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. સિહોરમાં દર વર્ષે ઉનાળો આવતા જ પાણીની સમસ્યા ઊભી થતી હોય છે.એપ્રિલના મધ્યમાં સૂર્યનારાયણ આકરા તાપે તપી રહ્યા છે તો બીજી તરફ સિહોરના નગરજનો પાણી વિના તરસી રહ્યા છે. સિહોરના અલગ-અલગ વિસ્તારમાં નિયત સમય વિના પાણી વિતરણ થાય છે. મોટાભાગના વિસ્તારમાં આઠ-દસ દિવસે પાણી વિતરણ થાય છે. ઉનાળો શરૂ થયો નથી કે પાણીની સમસ્યા ઊભી થઇ નથી. ગૌતમેશ્વર તળાવ ગત વરસે ઓછા પડેલા વરસાદને કારણે ખાલીખમ્મ છે. સિહોર શહેરી વિસ્તારના મોટાભાગના બોરમાં પાણી ડૂકી ગયા છે. ત્યારે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવાની માગ ઊઠી છે.

સિહોરમાં દર વરસે પાણીની સમસ્યા વિકટ બને છે. ઉનાળામાં નગરજનો પાણી માટે હાલાકી ન ભોગવે તે માટે કોઇ નક્કર આયોજન થતું નથી. જૂના સિહોરમાં પાણીનો વેડફાટ થાય છે. અને જ્યાં પાણી નથી ત્યાં મહિલાઓ પાણી માટે પોકાર કરે છે. લોકોને જરૂરિયાત મુજબ નિયમિતરૂપે પાણી વિતરણ થાય તે જરૂરી છે જ્યાં લોકો પાણીનો બગાડ કરતાં હોય ત્યાં કડકાઇ દાખવી પાણીનો બગાડ અટકે તે માટેના પગલાં લેવા જોઇએ. (file photo)