અમદાવાદ:ભારે વરસાદ બાદ સરદાર સરોવરમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં વધારે પ્રમાણમાં પાણીની આવક થતા દરવાજાને થોડા અંશે ખોલવામાં આવ્યા છે અને જેના કારણે હવે ડેમની નજીકના વિસ્તારમાં આવતા ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ડભોઈ અને શિનોરમાં સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા આદેશ આપવામાં આવે છે. નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
જરૂર પડ્યે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા જણાવવામાં આવ્યું છે.
નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના ને અનુલક્ષીને જિલ્લા કલેકટર તરફ થી મળેલી સૂચનાના અનુસંધાને પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર,કરજણ દ્વારા તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સંપૂર્ણ સાવધાની રાખવા સંબંધિતોને સૂચના આપી છે.
સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે તેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનો ને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.