પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ અને તેનો બગાડ કરતા બચવુ જોઈએઃ PM મોદી
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના સંવાદ બાદ જળ જીવન મિશનના મોબાઈલ એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષને લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તેમણે પાણી સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, જળ સંરક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જરૂરી છે. એટલે આપણે યુદ્ધના સ્તર પર પ્રયાસ કરવા પડશે. પાણીનો આપણે પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીને લઈને આપણી આદતો બદલવી પડશે. પાણીનો બગાડ કરતા બચવુ જોઈએ. તેમજ ખેડૂતોએ પણ ઓછા પાણીવાળા પાક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું હતું કે, જે કામ 70 વર્ષમાં નથી થયું તે બે વર્ષમાં થયું છે. 70 વર્ષ સુધી લોકો સુધી પાણી કેમ ના પહોંચ્યું, આઝાદ ભારતમાં લોકો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યાં હતા જે ખુબ જ દુઃખદ છે. આ વિકેન્દ્રીકરણનું બહુ મોટુ અભિયાન છે. ગામ અને મહિલાઓ દ્વારા આગળ વધારનારુ આ મિશન છે. ગામની મહિલાઓ અને સશ્કિતકરણ અમારી સરકારની પ્રાથમિકતાઓ પૈકીની એક છે. છોકરીઓના આરોગ્ય ઉપર અમારી સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. વીડિયો કોન્ફરેસિંગના માધ્યમથી જળ જીવન મિશનના મોબાઈલ એપનું લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જળ સમિતિમાં 50 ટકા મહિલાઓની ભાગીદાર હશે. રાષ્ટ્રીય જળ જીવન કોષ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. લગભગ બે લાખ ગામમાં કચરા પ્રબંધન પ્રણાલી શરૂ કરી છે.