Site icon Revoi.in

સાંતલપુર તાલુકામાં કેનાલમાં પાણી ન છોડાતા 6 ગામોને ટેન્કરો દ્વારા પહોંડાતું પાણી

Social Share

પાટણઃ જિલ્લામાં આ વર્ષે સરેરાશ 76 ટકા જેટલો વરસાદ પડ્યો હતો જેમાં સાંતલપુર અને સમી તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો.  જિલ્લાના સરહદી વિસ્તારમાં કચ્છ કેનાલ બંધ કરાતાં શિયાળાના પ્રારંભે જ પાણી માટે ટેન્કરરાજ શરૂ કરાયું છે. સાંતલપુરના 6 ગામોમાં પીવાના પાણી સહિત પાકને બચાવવા તંત્ર દ્વારા છેલ્લા 25 દિવસથી ટેન્કર દ્વારા રોજનું 2 લાખ લિટર પાણી પૂરું પડાય છે. પ્રજાને શિયાળાના પ્રારંભે જ પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષ પંથકમાં જરૂરિયાત મુજબ વરસાદ ન પડતાં તળાવો અને ચેકડેમો ખાલી રહેતા ખેડૂતોને પોતાનો પાક બચાવવા કચ્છ કેનાલ દ્વારા પાણી અપાય તેમજ નર્મદા કેનાલમાંથી રવિ સિઝન માટે તળાવો, ચેકડેમો ભરવાની માંગ પ્રબળ બની છે.

સાંતલપુર તાલુકાના ફાંગલી, ડાભી, ઉત્તરો, આંતરનેશ, માધપુરા અને ગામડી સહિતના ગામોમાં શિયાળાના પ્રારંભે જ કેનાલ બંધ થતા લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે. ત્યારે આગામી સમયમાં જો કેનાલ દ્વારા પાણી નહી અપાય તો સ્થિતિ વધુ વિકટ બની જશે તાલુકાના છ ગામોમાં વ્યક્તિ દિઠ પચાસ લિટર પાણી ટેન્કર દ્વારા પૂરું પડાય છે. જેમાં ફાંગલીમાં 80 હજાર લિટર રોજના 4 ટેન્કર, ડાભી-ઉનરોટમાં 4 ટેન્કરમાં 80 હજાર લિટર બાકીના 3 ગામોમાં 2 ટેન્કરમાં 40 હજાર લિટર પાણી ટેન્કર દ્વારા પૂરું પડાઈ રહ્યું છે. દરમિયાન પાણી પુરવઠા બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં કેનાલ પર નિર્ભર ગામો હતા તે ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પૂરું પડાય છે. વધુ પાણીની જરૂરિયાત હોય તો ટેન્કરમાં વધારો પણ કરાય છે. ફાંગલીમાં અડધી પાઈપલાઈન નંખાઈ ગઈ છે, પરંતુ ફોરેસ્ટની જમીન આવતી હોવાને કારણે પરમિશન નહીં મળતા કામગીરી અટકી પડી છે.

ફાગલીના ગ્રામજનોએ જણાવ્યું હતું કે,  કચ્છ કેનાલ ચાલુ હતી ત્યારે અમે ગ્રામ પંચાયત દ્વારા સબમર્સિબલ મોટરથી પાણી ઉઠાવી ગામમાં પુરુ પાડતા હતા. હાલમાં કેનાલ બંધ થઈ ગઈ છે. કેનાલમાં જે પાણી છે તે પીવા લાયક નથી. હાલમાં પાણી પાઈપલાઈન ગામ સુધી નખાઈ નથી અને ટેન્કરનું પાણી પૂરતું નથી, ખેતી માટે પણ પાણી જરુરીયાત છે. જો કેનાલ ચાલુ કરવામાં આવે તો પીવાના પાણીની તેમજ ખેતી માટેની સમસ્યા હલ થઈ શકે તેમ છે.