ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતીના વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. પાટનગર યોજના વિભાગ અને જીએમસી દ્વારા શહેરી વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં પાણીનો વપરાશ પણ વધતા દરેક વિસ્તારોને ફોર્સથી પાણી આપવું મુશ્કેલ બનતા પાણી પુવઠામાં 12 એમએલડીનો વધારો કરાયો છે.
ગાંધીનગર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાને લીધે પાણીની માગમાં ધરખમ વધારો થયો છે. સેક્ટરોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાટનગર યોજના તંત્ર દ્વારા પાણીના જથ્થામાં 12 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે. નર્મદાની સાથે બોરના પાણીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. હાલ પાણીનો વપરાશ વધીને 58થી 60 એમએલડી જેટલો થઇ ગયો છે. ગાંધીનગરમાં હાલ પણ સેક્ટરોમાં પાણી વિતરણની જવાબદારી પાટનગર યોજના વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે જ્યારે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં મહાનગરપાલિકાએ આ કામગીરી ગુડા પાસેથી પોતાના હસ્તક લઇ લીધી છે. એકતરફ ગાંધીનગરને 24 કલાક પાણી આપવાની ખર્ચાળ યોજના પર કામ ચાલી રહ્યું છે બીજી તરફ હાલમાં દરરોજ સવારમાં બે કલાક માટે જે પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. તેમાં પણ ઓછા દબાણથી પાણી મળતું હોવાની ફરિયાદો છાશવારે ઉઠવા પામતી હોય છે. ગાંધીનગરમાં પાણીનો વપરાશ સામાન્ય સંજોગોમાં 45થી 48 એમએલડી જેટલો રહેતો હોય છે. પરંતુ માર્ચ મહિનાથી તેમાં ઉત્તરોતર વધારો થતો હોય છે. હાલમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જતા પાણીની ડિમાન્ડ પીક પર પહોંચી છે. જેને કારણે પાટનગર યોજના વિભાગ દ્વારા પાણીના સપ્લાયમાં 12 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે જેથી હાલ 58થી 60 એમએલડી જેટલું પાણી આપવામાં આવી રહ્યું છે.
પાટનગર યોજના વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જરૂરિયાત મુજબનું પાણી હાલ છોડવામાં આવતું હોવાથી હાલમાં ક્યાંય ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી નથી. બીજીતરફ પાણીનો અનેક જગ્યાએ વેડફાટ પણ થાય છે જે નિવારવા માટે આકસ્મિક ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.