સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે લઘુતમ તાપમાન 29.5 અને મહત્તમ 43.7 ડિગ્રી રહ્યું હતું. ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝાલાવાડ પંથકમાં આ વખતે મે મહિનામાં કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખયા છે. જેમાં સતત 5 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લો ગરમીમાં રાજ્યમાં પહેલા નંબરે રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં સવારે 11થી 5 દરમિયાન એવરેજ તાપમાન 40 ડિગ્રી રહે છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે માટે નગર પાલિકા પ્રમુખ જીગ્નાબેન પંડ્યા તથા ચીફ ઓફિસર સાગર રાડીયા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીના છંટકાવનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગરના શહેરીજનોને ગરમીથી રાહત મળે માટે શહેરના એસટીપી પ્લાન્ટના રિસાઇકલ કરેલા પાણીનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં દેવાંગભાઇ દુધરેજીયા તથા ફાયર વિભાગની ટીમ દ્વારા પાલિકાના 12000 લીટરની ક્ષમતા વાળા 2 ફાયર ફાઇટરથી શહેરના મુખ્ય માર્ગો જેવા કે હેન્ડલુમ, મહેતા માર્કેટ, સીજે રોજ, ટાવર રોડ, કલેક્ટર કચેરી રોડ, શાકમાર્કેટ, પતરાવાળી સહિતના માર્ગો પર પાણીનો સવારે છંટકાવ કરવામાં આવે છે. તેનાથી ગરમીથી લોકોને રાહત મળી રહી છે. શહેરમાં વરસાદ આવે ત્યાં સુધી રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.