Site icon Revoi.in

હળવદના રાયસંગપુર પાસે નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડુ પડતા પાણીનો વેડફાટ

Social Share

મોરબીઃ  જિલ્લાના હળવદ તાલુકામાં નર્મદાની મેઇન કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે રાયસંગપુર પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું પાણી આજુબાજુના ખેતરોમાં ભરાયુ છે. અને પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક ખેડુતો દ્વારા તંત્રને જાણ કરવા છતાં હજુ માઈનોર કેનાલના ગાબડાની મરામત કરવામાં આવી નથી.

હળવદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે રાયસંગપુર ગામ પાસે નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. જેથી માઈનોર કેનાલમાથી 24 કલાકથી પાણીનો બગાડ થઇ રહ્યો છે અને આ અંગેની તંત્રને જાણ કરવા છતા કોઇ અધિકારીઓ હજુ સુધી ડોકાયા નથી. ધાગંધ્રા બ્રાંચની ડી-19 માઈનોર કેનાલમાં રાયસંગપુર પાસે ગાબડું પડતા પાણીનો એકબાજુ બગાડ થઇ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતો સિંચાઇના પાણી માટે હેરાન થઇ રહ્યા છે. ત્યારે વહેલી તકે પાણીનો બગાડ રોકવામાં આવે તે જરૂરી છે.

હળવદ તાલુકામાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડા પડવાના વારંવાર બનાવો બની રહ્યા છે. માઈનોર કેનાલોના કાચા કામને લીધે પાળા તૂટી જાય છે. આ અંગે કેનાલ વિભાગના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી. ખેડુતોએ કેનાલમાં ગાબડાં પડ્યાની જાણ કેનાલના અધિકારીઓને કરી હોવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગત સપ્તાહમાં હળવદ તાલુકાના દેવીપુર ગામ નજીક નર્મદાની મચ્છુ કેનાલના કોઇએ ગેઇટ બંધ કરી દીધા હતા જેથી પાણી રોકાઇ ગયું હતું અને પાણીનો બગાડ થયો હતો. આમ અધિકારીઓની બેદરકારીના લીધે નર્મદાના પાણીનો ઘણો બગાડ થઇ રહ્યો હોવાનું ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યુ છે.