સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલના અધૂરા કામને લીધે કેનાલના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાટડીના ખેરવા ગામના પાદરમાં કેનાલના પાણી ફરીવળ્યા હતા.ગામમાં ભરઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે. એમાંય ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણીના ભારે ભરાવાના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ અને એમના સગાવહાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પાટડી તાલુકાના ખેરવા ગામે સીમમાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી ડી-6ના અધૂરા કામને લીધે કેનાલમાંથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, જે પાણી ખેરવા ગામના બસ સ્ટેશનમાંથી પસાર થઈ નીકળે છે. જેના લીધે સમગ્ર ખેરવા ગામમાં પાણીની રેલમછેલ જેવો ગોઝારો ઘાટ સર્જાયો છે. જેના લીધે વાહનોને અવરજવરમાં તથા લોકોને પણ ઘણી હાલાકી ભોગવી પડે છે. ખેરવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના લીધે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને એમના સગાવહાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. ગામના પાદરમાં તળાવની જેમ પાણી ભરાયા છે. આ અંગે રજુઆક કરવા છતાંયે તંત્ર ધ્યાન આપતું નથી. ગામમાંથી નીકળતું આ પાણી જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે સમગ્ર ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે. આ અંગે ખેરવા ગામના યુવા સરપંચ જીગ્નેશભાઇ રાઠોડ઼ે આક્રોશ સાથે જણાવ્યું કે, આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ના ધરાતા ખેરવા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.