પાલનપુરઃ જિલ્લાનો સૌથી મોટો ડેમ દાંતીવાડા છે. આ વખતે સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સારી થઈ હતી. એટલે ખેડુતોની માગને ધ્યાનમાં લઈને સમયાંતરે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ઉનાળું પાકની વાવણી બાદ સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત ઊભી થતાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા 3 હજાર હેકટર જમીનને સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. જેમાં ડીસા પાટણના પંથકના ગામડાંને સિંચાઈનો લાભ મળશે.
જિલ્લાના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દાંતીવાડા જળાશય યોજના હેઠળ ચાલુ વર્ષે ઉનાળું સિઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે બે પાણ સાથે 3 હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરાયું છે. પાણી લેવાની ઈચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમુના ફોર્મ-7 માં જરૂરી વિગત દર્શાવી તેમના વિસ્તારના સેકશનલ ઓફીસર,કારકુનોને રૂબરૂમાં તા.21 એપ્રિલ સુધીમાં પહોચાડવાની રહેશે. ખાસ કરીને ડીસા અને પાટણ પંથકના ખેડુતોને જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવશે.
ડીસા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે. કે, સિંચાઈ માટે પાણી મેળવવાની અરજી સાથે અગાઉના બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતરું સિંચાઇ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે . આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી . ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ ₹. 324/- તથા 20 ટકા લોકલ ફંડ ₹.64.80 મળી કુલ ₹. 388.80 પ્રતિ પાણ હેકટર દીઠ ભરવાના રહેશે. અરજી આપી પાણીનો પાસ મેળવી લેવો, પાણીના પાસ સિવાય પાણી આપવામાં આવશે નહી. તેમજ ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે.