સુરતઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટી, કમળા, ટાયફોડ, તાવ, ગેસ્ટ્રો, ડેન્ગ્યુ, સહિતના કેસમાં વધારો થયો છે. છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. પહેલા 500 કેસ આવતા હતા. જ્યાં હવે રોજના 700થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર ભીડ જોવા મળી રહી છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા લોકોને વધુ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ઘરના આંગણે ફુલ-ઝાડમાં કે મકાનોની છત પર ભરાયેલા પાણી દુર કરવા, અને બજારૂ ખાદ્ય ચિજ-વસ્તુઓ આરોગતા પહેલા ધ્યાન રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મચ્છરોને કારણે મેલેરિયાના કેસ વધી રહ્યા છે. શહેરના સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઊઠી રહી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા ત્યારે હવે આ કેસ 20 ટકા જેટલા વધીને 700થી વધુ આવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે. સિવિલની વાત કરીએ અહીં તાવના 45, ગેસ્ટ્રોના 29, ડેન્ગ્યુના 2, મેલેરિયાના 3 અને કોલેરાના એક દર્દીએ સારવાર કરાવી છે. જ્યારે સ્મીમેરમાં તાવના 281, ગેસ્ટ્રોના 115, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 28, કોલેરાના 7, કમળાના 3 અને ટાયફોઈડના 18 દર્દીએ સારવાર લીધી છે.