અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ એપ્રિલના પ્રથમ 10 દિવસમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં જ 176 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા ઊલટીના કેસોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે. શહેરમાં 9 દિવસમાં ઝાડા ઊલટીના 85, કમળાના 25 અને ટાઈફોઈડના 66 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં માત્ર 4 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં સ્વાઈન ફ્લુના અત્યાર સુધીમાં 50 કેસ નોંધાઈ ચુક્યા છે.
અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એપ્રિલના પ્રથમ 10 દિવસમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એપ્રિલના પ્રથમ 9 દિવસના ટૂંકા ગાળામાં જ શહેરમાં ઝાડા ઊલટીના 85 કેસ નોંધાયા હતા. આ સાથે ચાલુ વર્ષે ઝાડા ઊલટીના કેસોની સંખ્યા 1265 પર પહોંચી ગઈ છે. જોકે, ગતવર્ષની સરખામણીમાં અપ્રિલ માસમાં ઝાડા ઊલટીના કેસો ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે કમળાના 9 દિવસમાં 25 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. કમળાના ચાલુ વર્ષ દરમિયાન 416 કેસ નોંધાઈ ચુક્યા છે. કમળાના કેસોની સંખ્યા ગતવર્ષે સમગ્ર એપ્રિલ માસમાં 125 હતી, જેની સરખામણીમાં ચાલુ વર્ષે 9 દિવસમાં 25 કેસ જ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના પણ 9 દિવસમાં 66 કેસ નોંધાયા છે. આ સાથે 2023માં શહેરમાં ટાઈફોઈડના કેસોની સંખ્યા 877 પર પહોંચી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં અન્ય રોગચાળાની સાથે સિઝનલ ફ્લુમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા પણ વધી છે. 2023માં અત્યાર સુધી સ્વાઈન ફ્લુના 50 કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે, ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે કેસોની સંખ્યા ઓછી છે. ગત વર્ષે 2022માં સ્વાઈન ફ્લુના 1143 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સાદા મેલેરિયાના 2 કેસ અને ડેન્ગુયના 2 કેસ નોંધાયા છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોહીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.