- અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
- ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી
- કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા
અમદાવાદ:ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.શહેરના વટવા,બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો નોંધાયો છે.
ગરમીને કારણે અમદાવાદમાં દૈનિક 250 થી વધુ લોકો બીમાર બંને છે.ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે.લોકોએ તડકાથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ.વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આકરી ગરમીમાં લોકોએ બહારનો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ.
આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ શેરડીના રસ, સિકંજી અને ઠંડાઈના સેન્ટર પર ચેકિંગ વધારશે. શેરડીના રસ કે સિકંજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.શહેરમાં ઉનાળો શરૂ થવા સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. ઉનાળમાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મોટરિંગ કરીને પાણી ખેંચવામાં આવતું હોય છે અને તેના કારણે પાણીમાં પોલ્યુશન આવતું હોય છે. ઉનાળામાં પ્રદૂષિત પાણીને કારણે ઝાડા- ઉલટી, કમળો અને ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગચાળાના કેસો વધતા હોય છે.