Site icon Revoi.in

વાયનાડમાં ભૂસ્ખલન, 200થી વધુના મોત, રાહુલ ગાંધી અને પ્રિયંકા પીડિતોને મળશે

Social Share

નવી દિલ્હીઃ કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ત્રણ ગામો લગભગ ગાયબ થઈ ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને અગાઉ ગૃહમાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના નિવાસસ્થાનથી વાયનાડ જવા રવાના થયા છે.

રાહત અને બચાવ કામગીરી આજે પણ ચાલુ રહેશે. વિવિધ દળો દ્વારા રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 1,592 લોકોને બચાવીને વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 99 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક ચુરમમાલા અને મુંડક્કઈ વિસ્તારોમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે.

રાહુલ ગાંધી સવારે 9.45 કલાકે કન્નુર એરપોર્ટ પહોંચે તેવી શક્યતા છે. તેઓ મેપ્પડીમાં ચુરલમાલા ભૂસ્ખલન પીડિતો માટે ખોલવામાં આવેલા રાહત કેમ્પ અને વિવિધ હોસ્પિટલોની મુલાકાત લેશે. ખરાબ હવામાનના કારણે રાહુલ બુધવારે વાયનાડ પહોંચી શક્યા ન હતા. પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાત દરમિયાન કુદરતી આફતથી પ્રભાવિત ઘણા પરિવારોને મળશે.

આ દુર્ઘટનાથી એ લોકો આઘાતમાં છે, જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના આંસુ રોકાતા નથી. લોકો તેમની પાસે પહોંચી રહ્યા છે અને તેમને ખાતરી આપી રહ્યા છે કે બધું સારું થઈ જશે. દરમિયાન, એવા અહેવાલ છે કે નજીકના કોઝિકોડ જિલ્લાના થમારસેરી અને વડકારા તાલુકાના વિવિધ ઉપલા ગામો વાયનાડ આપત્તિથી પ્રભાવિત થયા છે. સરકારે અહીં રહેતા પરિવારોને સ્થળાંતર કરવા માટે પગલાં શરૂ કર્યા છે.