અમદાવાદઃ ગાંધીનગરના માણસામાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે નાગરિકોના સંબોધનમાં અમિત શાહને ગુજરાતી ભાષાના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે પશ્ચિમી સંસ્કૃતિના વધતા વ્યાપ સામે આપણી સંસ્કૃતિને બચાવવા માટે હાકલ કરી હતી. શાળાના બાળકોનું ઉદાહરણ આપતા અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના ઘટતા મહત્વને સમજાવ્યું હતું. ગુજરાતી ભાષાને જીવંત રાખવાની જવાબદારી આપણી હોવાનું પણ જણાવ્યું હતું. શાબ્દિક ટકોર કરી બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવા અંગે વાત કરી હતી.
માણસામાં વિકાસના કામોના લોકાર્પણ બાદ સભાને સંબોધનમાં અમિત શાહે કહ્યુ હતુ કે, ‘દેશની 15 હજાર વર્ષ જૂની સંસ્કૃતિની વિલુપ્તી માટે આપણે દેશવાસીઓ જ જવાબદાર છીએ. આવનારી પેઢીઓને જો સંસ્કૃતિની સમજ નહીં હોય તો ભવ્ય સંસ્કૃતિ સિમિત થઈ જશે, તેથી બાળકોને સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપવું જોઈએ. અગાઉ રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા ફરજિયાત કરવામાં આવી હતી. તેનાથી બાળકો અંગ્રેજી સાથે ગુજરાતી ભાષા પણ શીખશે અને દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અંગે બાળકોમાં સમજણ કેળવાય.’
અમિત શાહે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે પણ કોંગ્રેસના છોતરાં કાઢી નાંખ્યા હતા. તેમણે પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘જ્યારે PM મોદીએ જવાબ આપ્યો ત્યારે કોંગ્રેસના સભ્યો સંસદમાંથી ભાગી ગયા હતા.’ વિપક્ષી દળો પર લોકસભા ચૂંટણી પૂર્વે અમિત શાહે આકરા પ્રહારો કરી ગુજરાતમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.
તેમણે વિપક્ષો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, યુપીએ એટલે કે કૉંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ છે. આ ગોટાળા છુપાવવા માટે એ લોકો નામ બદલીને આવ્યા છે. આમાં તો બોટલ પણ જૂની છે અને શરાબ પણ જૂનો છે, તમે છેતરાતા નહીં.ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક-7 થી રાંધેજા-બાલવા-માણસા સુધીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે માણસાના વિકાસ કાર્યોથી માણસાના નાગરિકોને જે આનંદ થાય છે, તેવા આનંદની અનુભૂતિ હું આજે કરી રહ્યો છુ, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, માણસાએ મને અને મારા પૂર્વજોને ઘણું આપ્યું છે.સાથે જ માણસા સાથે સંકળાયેલી લાઈબ્રેરી સહિતની પોતાની યાદોની વાગોળી હતી.ઉપરાંત તેમણે કહ્યું કે માણસાના વિકાસની જવાબદારી જેટલી માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલની છે, તેટલી જ જવાબદારી મારી પણ છે, તેવું પણ ઉમેર્યું હતું.