Site icon Revoi.in

આપણે રામથી છીએ, રામ આપણાથી નહીં: કૉંગ્રેસના નેતાએ જ પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાના હાઈકમાન્ડના નિર્ણયની ઉડાવી ઠેકડી

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કલ્કિ પીઠના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતાઓના એ નિર્ણયની ટીકા કરી છે, જેમા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથેની વાતચીતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે જે પણ નેતા અથવા રાજકીય પક્ષના લોકો રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાની વાત કરી રહ્યા છે અથવા નિર્ણય કરી ચુક્યા છે, તેમમે પોતાના વિચાર પર ફેરવિચારણા કરવી જોઈએ.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોઈપણ નામોલ્લેખ વગર કહ્યુ છે કે રામ કોઈ એક પાર્ટીના નથી, પરંતુ તેઓ સૌના છે. તેમણે કહ્યુ છે કે રામથી આપણે છીએ, આપણાથી રામ નથી. તેમણે એમ પણ કહ્યુ છે કે નેતાઓએ ધર્મની વ્યાખ્યા કરવાથી બચવું જોઈએ, કારણ કે ભારત જ નહીં, આખા વિશ્વના કરોડો સાધુ-સંત, ઋષિ-મુનિ, તપસ્વી મહાત્મા, જ્યોતિષાચાર્ય તમામ એક તરફ અને ભગવાન રામ એક તરફ છે. તેમણે કહ્યુ છે કે આ જે બ્રહ્માંડ છે, તેને ભગવાન રામ સંચાલિત કરે છે.

કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે જે શુભ કામ છે, તેને જલ્દી પૂર્ણ કરવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં આવું જ કહેવામાં આવ્યું છે. આચાર્યે કહ્યુ છે કે ભગવાન રામનું મંદિર બનીને તૈયાર થયું છે. તેનું સ્વાગત કરો, આ ભારતનો ઉત્સવ છે. દેશનું ગૌરવ છે. આ આપણા સનાતન ધર્મનો ઉત્સવ છે. તેમણે કહ્યુ છે કે હું તમામ રાજકીય પક્ષોને અપીલ કરવા માંગુ છુ કે આ નિમંત્રણનો સ્વીકાર કરે.

જ્યારે તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની ટીપ્પણી પર સવાલ કરવામાં આવ્ય, તો તેમણે કહ્યુ કે હાથ જોડીને અપીલ કરું છું કે રામને કોઈ એક પાર્ટીના માનવામાં આવે નહીં, તેઓ સૌના છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બુધવારે પોસ્ટ કરી હતી કે શ્રીરામમંદિરનું નિમંત્રણ ઠુકરાવવું બેહદ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે. આજે દિલ તૂટી ગયું.