સુરતઃ કોરોનાના કપરા કાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનના મામલે પણ રાજકારણ ગરમાયું છે. લોકોને રેમડેસિવીર ઈન્જેક્શન આસાનીથી મળતા નથી અને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં ભાજપના કાર્યાલયથી લોકોને છૂટથી તેનું વિતરણ કર્યું તે વિવાદમાં કોંગ્રેસે તપાસની માંગણી કરી હતી. અને સોશિયલ મીડિયામાં પણ ટીકા થઇ હતી. ત્યારે સી.આર.પાટીલે આજે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો હતો. પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે, સુરતમાં જયારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પણ ભાજપ તરફથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ એ સમયે પણ ક્યાય દેખાતી ન હતી અને અત્યારે પણ ક્યાય દેખાતી નથી. તેને માત્ર ટીકા કરતા જ આવડે છે. અમે કોંગ્રસની ધમકીઓથી ડરીશું નહીં.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે સુરતમાં પોતાના કાર્યાલય પર રેમડેસિવીર ઈન્જેક્શનનું જરૂરિયાતમંદોને વિકરણ કર્યુ હતું. લોકોના રેમડેસિવીર ઈન્જેક્શન મળતા નથી અને કલાકો સુધી લાઈનો ઊબા રહેવું પડે છે ત્યારે ભજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ રેમડેસિવીર ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો લાવ્યા ક્યાંથી એવો પ્રશ્ન ઉઠાવીને તપાસની માગ કરી હતી.
રેમડેસિવીર ઈંજેકશનને લઈને વિવાદમાં સપડાયેલેયા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ધમકીઓ આપવાની બંધ કરે, કોંગ્રેસની ધમકીઓથી અમે ડરીશું નહી, 1992માં જ્યારે કોંગ્રેસના શાસનમાં સુરતમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે પણ અમે દવા આપી હતી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? ત્યારે કોંગ્રેસે સવાલો કેમ ના ઉઠાવ્યાં? ભાજપના કાર્યકર્તાઓ મહામારીમાં પણ મોતથી ડર્યા વગર લોકોની સાથે ઉભાં છે, સેવા કરે છે, કોરોના દર્દીઓના સગાં-વ્હાલાને જમવાની વ્યવસ્થા કરી આપે છે, સ્મશાનમાં લાકડાં અને હોસ્પિટલમાં ઓક્સીજનની અછત પૂરી કરી આપે છે. આવા કાર્યોને સરાહનીય કાર્ય તરીકે વર્ણવાં જોઈએ ત્યારે કોંગ્રેસનું આ પ્રકારનું વલણ તેમની માનસિકતા છતી કરે છે.