નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને કોલેજિયમમમાં સામેલ જસ્ટિસ બીઆર ગવઈએ શુક્રવારે કહ્યુ છે કે સરકારની નીતિઓની સમીક્ષા કરવામાં અદાલતની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેવામાં જો કાર્યપાલિકા પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે, તો અદાલત હાથ પર હાથ રાખીને બેસી શકે નહીં. જસ્ટિસ ગવઈએ હાર્વર્ડ સ્કૂલમાં આયોજીત એક સભામાં પોતાના સંબોધનમાં આ વાત કરી છે.
મહત્વપૂર્ણ છે કે હાલમાં સરકારની વિવાદાસ્પદ ચૂંટણી બોન્ડ યોજનાને રદ્દ કરનારી પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ ગવઈ પણ સામેલ હતા.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ છે કે દેશના પ્રત્યેક અંગને પોતાના ક્ષેત્રમાં કાર્ય કરવાની શક્તિ છે. ધારાસભા કાયદો બનાવે છે. કાર્યપાલિકા તેને લાગુ કરવાની સાથે પ્રશાસન ચલાવે છે. અદાલત કોઈ કાયદો અથવા બંધારણની નીચે મુદ્દાને લાગુ કરે છે, વ્યાખ્યા કરે છે અને નિર્ણય લે છે. તેમણે કહ્યુ છે કે અદાલતોને રાજ્યના વિભિન્ન અંગો એટલે કે ધારાસભા અને વહીવટી તંત્રના કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ કરવાનું હોય છે. બંધારણના આદર્શો અને જોગવાઈઓ હેઠળ કોઈપણ વિસંગતની તપાસ કરવાની અને તેને દૂર કરવાની હોય છે.
તેમણે આગળ કહ્યુ છે કે સમય-સમય પર સરકાર અને તેના ઉપકરણ વ્યક્તિઓના અધિકારોને પ્રભાવિત કરનારા નિર્ણય લઈ રહ્યા છે. માટે તમામ પ્સાસનિક અધિકારીઓ સાથે ન્યાયિક રીતે કાર્ય કરતા નિર્ણય લેવો વધુ મહત્વપૂર્ણ છે. અદાલત કાર્યપાલિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની કાયદેસરતા અને બંધારણીયતાની તપાસ કરી શકે છે.
મે-2025માં ભારતના મુખ્ય ન્યાયાધીશ બનનારા જસ્ટિસ ગવઈએ કહ્યુ છે કે ન્યાયિક સમીક્ષા માત્ર બંધારણીય સીમાઓને જ પરિભાષિત નથી કરતી , પણ વ્યક્તિગત અધિકારોની સુરક્ષા કરે છે. અધિકારો અઅને બદલાતી સામાજીક ગતિશીલતાને પણ દર્શાવે છે. જસ્ટિસ ગવઈએ કહ્યુ છે કે ન્યાયિક સમીક્ષાની જોગવાઈની પાછળ મુખ્ય ઉદેશ્ય તપાસ અને સંતુલન માટે એક તંત્ર બનાવવાનો હતો. જેથી શક્તિનો દુરુપયોગ થાય નહીં. તેમણે કહ્યુ છે કે નીતિગત પરિવર્તન બંધારણીય સિદ્ધાંતોને અનુરૂપ હોવાની જરૂરત છે.
જસ્ટિસ ગવઈએ કહ્યુ છે કે દરેક નાગરિકને કોઈ એવા કાયદાની બંધારણીયતાને પડકારવાનો અધિકાર છે, જે કોઈ વ્યક્તિના જીવન, સ્વતંત્રતા અને મિલ્કતને પ્રભાવિત કરે છે. તેવામાં ઘણાં ઐતિહાસિક મામલા છે, જ્યાં સુપ્રીમ કોર્ટે બંધારણની સાથે અસંગત જણાતા કાયદા અને વિનિયમોને રદ્દ કર્યા છે.
જસ્ટિસ ગવઈએ કહ્યુ છે કે તાજેતરમાં એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વિરુદ્ધ યૂનિયન ઓફ ઈન્ડિયાના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને આ આધાર પર નામંજૂર કરી હતી કે તે ભારતીય બંધારણ હેઠળ નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે.