નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લોકતંત્ર નથી, દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાની ખોટી વાતો કરવામાં આવે છે. ભારતની સૌથી વિપક્ષી પાર્ટીએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે. આજે કોંગ્રેસ પાસે રૂ. 2 પણ નથી જેથી નેતાઓને મદદ કરી શકે. એટલું જ નહીં ટીકીટ ખરીદવાના પૈસા પણ નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં તમામ લોકો જાણે છે કે, જ્યારે તેમનું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ તથા તેમની ફાઈનેશિયલ આઈડેંટીટી રદ કરી નાખાય તો કેટલી મુશ્કેલી થાય છે. જો આવુ કોઈ પરિવાર સાથે કરવામાં આવે તો તેઓ ભુખમરામાં મરી જાય છે. કોઈ વેપાર સાથે કરવામાં આવે તો તે બરબાદ થઈ જાય છે. આવુ જ કોંગ્રેસ સાથે કરવામાં આવી રહ્યું છે. તે પોતાના નેતાઓ, કાર્યકર્તાઓને પૈસા આપી શકતું નથી કેમ કે એક મહિના પહેલા અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા નેતાઓ હવાઈ મુસાફરી કરી શકતા નથી, એટલું જ નહીં ટ્રેનમાં પણ પ્રવાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. અમારા નેતાઓને એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા મુશ્કેલ બન્યું છે. આજે અમે જાહેરાત આપી શકતા નથી, દેશમાં 20 ટકા લોકો અમને વોટ આપે છે પરંતુ આજે અમે બે રૂપિયા પેમેન્ટ નથી કરી શકતા. આવુ અમને ચૂંટણીમાં અપંગ બનાવા માટે કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ સંવૈધાનિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે, દેશમાં સંવૈધાનિક સંસ્થાઓ હાજર છે. કોર્ટ, ચૂંટણીપંચ અને અન્ય સંસ્થાઓને આ તમામ જોવા છતા કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચ પણ કંઈ બોલી નથી. આ ગુનાહિત કામ છે. તેમણે દાવો કર્યો હતો કે, ભારતમાં લોકતંત્ર છે, આ વાત બિલકુલ ખોટી છે. ભારતમાં કોઈ લોકતંત્ર નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારુ એકાઉન્ટ્સને લઈને પાર્ટીને બે વખત નોટીસ મળી છે. એક નોટિસ 90ના દાયકામાં મળી હતી. જ્યારે બીજી નોટિસ 7 વર્ષ પહેલા મળી હતી. આ મામલામાં અમને વધુમાં વધુ 10 હજારનો દંડ થઈ શકે છે. પરંતુ અમને સજા આપવામાં આવી રહી છે. અમારા માટે ચૂંટણીપ્રચાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. આ તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરાવી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે જો કોંગ્રેસના એકાઉન્ટ અનફ્રીઝ પણ કરી દેવામાં આવે તો પણ કોઈ ફાયદો નહીં થાય, કેમ કે કોંગ્રેસને બહુ મોટુ નુકશાન થયું છે. કોર્ટ, ચૂંટણીપંચ, મીડિયા સહિતની સંસ્થાઓ કંઈ કરી રહી નથી.