દિલ્હીઃ દેશભરના લાખો ખેડૂતોના વિરોધ પછી સરકાર દ્વારા ગયા મહિને પાછી ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને સુધારી શકાય છે. તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. દરમિયાન તેમણે કહ્યું કે ‘અમે માત્ર એક ડગલું પાછળ હટી ગયા છીએ, પછી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે. કેન્દ્રીય મંત્રી તોમરે કેટલાક લોકો પર કાયદાઓને રદ કરવા મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો હતો.
કૃષિ મંત્રીએ કહ્યું કે અમે એગ્રીકલ્ચર એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા હતા, પરંતુ કેટલાક લોકોને આ કાયદો પસંદ ન આવ્યો. આઝાદીના 70 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એક મોટો સુધારો હતો. પરંતુ સરકાર જરાય નિરાશ નથી. અમે એક પગલું પાછળ હટી ગયા છીએ, અમે ફરીથી આગળ વધીશું કારણ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે.ગત 19 નવેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે અચાનક સરકારની આ જાહેરાત બાદ વિપક્ષે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. વિપક્ષે આ પગલું ચૂંટણીનો લાભ લેવા માટે ગણાવ્યું હતું.
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ગયા વર્ષે નવેમ્બરથી હજારો ખેડૂતો દિલ્હીની સરહદો પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઘણી વખત સુરક્ષા દળો સાથે ખેડૂતોની હિંસક અથડામણ પણ થઈ હતી. લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર કાર ચડાવી દેવાની ઘટના બાદ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી હતી. ખેડૂતો ઉપર કાર ચડાવી દેવાનો આરોપ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર લાગ્યો છે.