Site icon Revoi.in

કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓ અને ખેડૂત લક્ષી, સંસદમાં વચગાળાનું બજેટ રજુ થયું

Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે આગળ વધ્યું છે. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે અનેક પડકારો હતા. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકારે આ પડકારોનો સામનો કર્યો. લોકકલ્યાણની યોજનાઓ અને વિકાસ અમારા સુધી પહોંચ્યો. ‘દેશને એક નવો હેતુ અને નવી આશા મળી. જનતાએ ફરી સરકારને જંગી જનાદેશ સાથે ચૂંટ્યો. અમે બેવડા પડકારો સ્વીકાર્યા અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કર્યું. અમે સામાજિક અને ભૌગોલિક સમાવેશ સાથે કામ કર્યું. ‘સબકા પ્રયાસ’ ના મંત્ર સાથે આપણે કોરોના યુગનો સામનો કર્યો અને અમર કાળમાં પ્રવેશ કર્યો. પરિણામે આપણા યુવા દેશ પાસે હવે મોટી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે.

નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અમે બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે બેંક ખાતા જેવા કામો રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યા છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. ખેડૂતોની ઉપજના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સંસાધનોનું વિતરણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યું છે. અમે અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાજિક પરિવર્તન લાવી શકાય. વડાપ્રધાનના મતે ગરીબ, મહિલા, યુવાનો અને ખેડૂતો આ ચાર જાતિઓ છે જેના પર અમારું ધ્યાન છે. તેમની જરૂરિયાતો, તેમની આકાંક્ષાઓ આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગરીબ કલ્યાણ, દેશનું કલ્યાણ અમે આ મંત્રા સાથે કામ કરી રહ્યાં છે. સબકા સાથના ઉદ્દેશ્ય સાથે અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નીકાળ્યાં છે. ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવા કામ કરી રહ્યાં છીએ.

સંસદમાં બજેટ રજુ કરતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, અમારી સરકારએ નાગરિક પ્રથમ અને ન્યૂનતમ સરકાર અધિક્તમ શાસન દ્રષ્ટીકોણ સાથે જવાબદેનાર, જન કેન્દ્રીત અને વિશ્વાસ આધારિત પ્રાશાસન પ્રદાન કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉધમિયોને આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓને 70 ટકા આવાસ મળ્યાં છે. સરેરાશ વાસ્તવિક આવક 50 ટકા વધી છે અને મોંઘવારી કાબુમાં આવી છે. પરિયોજનાઓ સમયસર પૂર્ણ થઈ રહી છે. લોકો સારી રીતે જીવન ગુજારી રહ્યાં છે અને સારી આવક મેળવી રહ્યાં છે. જીએસટીએ એક દેશ, એક માર્કેટ અને એક ટેક્સની ધારણાને મજબુત બનાવી છે. આઈએફએસસીએ વૈશ્વિક મૂડી રોકાણનો રસ્તો ખોલ્યો છે.

સંસદમાં બજેટ રજુ કરતા કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યું કે, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર ભારત અને અન્ય દેશો માટે એક પરિવર્તનકારી પગલું છે. કોવિડ મહામારી છતા અમે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ કર્યું છે. તેમજ આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને 10 લાખ રોજગારીની તકો ઊભી થઈ છે. લણણી પછીના નુકસાનને રોકવા માટે પણ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. કાપણી પછીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અમે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારીને મજબૂત કરીશું. સ્વનિર્ભર તેલ બીજ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ અંતર્ગત નવી કૃષિ ટેકનોલોજી અને કૃષિ વીમાને પ્રોત્સાહન આપવામાં આવશે. ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મદદ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મત્સ્ય સંસાધનોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. સીફૂડનું ઉત્પાદન બમણું થયું છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા, ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. 55 લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. પાંચ સંકલિત એક્વા પાર્ક બનાવવામાં આવશે.

રુફટોપ સૌર ઉર્જા મારફતે એક કરોડ ઘરોને 300 યુનિટ સુધી મફત વિજળી દર મહિને સૌર ઉર્જાથી મળશે. આમ એક પરિવારની 15-18 હજારની બચત થશે. ઈ વ્હીકલના ચાર્જીંગ માટે મોટી સંખ્યામાં ઈન્સ્ટોલેશન કરાશે. જેથી વેન્ડરોને કામ મળશે.

મધ્યમ વર્ગ માટે યોજના બનાવાશે, ભાડાના ઘર, ચાલી અને અનિયમિત ઘરોમાં રહેનારાઓને નવુ ઘર ખરીદવાનો અને બનાવવાનો મોકો મળશે

કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, 2024-25માં કુલ ખર્ચ 47.66 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જ્યારે રાજકોષીય નુકસાન જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ છે. જેનો આગામી વર્ષ માટે 4.5 ટકા નીચે લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એફડીઆઈ એટલે કે ફર્સ્ટ ડેવલપ ઈન્ડિયા પર જોર આપવામાં આવશે. જેથી પહેલા વિકાસ ભારત આવે. રાજ્યોની સુધાર યોજનાઓ માટે 75 હજાર કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ 50 વર્ષ માટે વ્યાજ મુક્ત લોન હશે. આગામી 25 વર્ષ અમારા માટે કર્તવ્ય કાળ છે.

નાણા મંત્રીએ દેશમાં વિમાન ક્ષેત્રને લઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે દેશમાં 149 એરપોર્ટ છે. ટીયર-2 અને ટિયર 3 શહેરોમાં ઉડાન હેઠળ વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશની વિમાની કંપનીઓ એક હજાર નવા વિમાન ખરીદી રહી છે.

ત્રણ રેલવે કોરિડોર ઉર્જા, ખનીજ અને સિમેન્ટ માટે બનાવવામાં આવશે. પીએમ ગતિ શક્તિ હેઠળ તેની ઓળખ કરવામાં આવી છે. જેનો ખર્ચ ઓછો હશે અને સામાનના પરિવહનમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી વિકાસ દર વધારવામાં મદદ મળશે. વંદે ભારતના ધોરણો અનુસાર 40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.

નવી ટેકનોલોજીને પગલે વેપારમાં મદદ મળી રહી છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જવ જવાન, જય કિસાન નો નારો આપ્યો હતો. અટલજીએ જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો વિસ્તાર કરીને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય સંસોધનનો નારો આપ્યો છે. ટેક્નોલોજી ક્ષેત્રે રસ ધરાવનારાઓ માટે આ સુવર્ણ સમયગાળો છે. 1 લાખ કરોડનું ભંડોળ વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. આનાથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે. તેનાથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે.

નવ કરોડ મહિલાઓ સાથે સંકળાયેલા 83 લાખ સ્વ-સહાય જૂથો મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમની સફળતાએ એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવામાં મદદ મળી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. અમે નક્કી કર્યું છે કે લખપતિ દીદી માટેનો લક્ષ્યાંક રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 3 કરોડ કરવામાં આવ્યો છે.

અમે હાલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો બનાવીશું. અમારી સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે. માતૃત્વ અને બાળકના વિકાસ માટે વ્યાપક યોજના બનાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. ન્યુટ્રિશન 2.0 ના અમલીકરણને ઝડપી કરવામાં આવશે. રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે. આયુષ્માન ભારત અંતર્ગત તમામ આશા અને આંગણવાડી કાર્યકરોને તેના દાયરામાં લાવવામાં આવશે.

10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. કરદાતાઓ 2.4 ગણા વધ્યાં છે. કરદાતાઓનું યોગદાન દેશના વિકાસમાં કામ આવી રહ્યું છે. અમે કરદાતાઓની પ્રશંસા કરી રહ્યાં છે. સરકારે કર દરો ઘટાડ્યાં છે. અમલમાં આવી ચુકેલી નવી કર યોજના હેઠળ સાત લાખ રુપિયા સુધી હવે કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સ પણ ઘટાડો થયો છે. નવા ફોર્મ 26એએસથી ટેક્સ ફાઈલ કરવો સરળ બન્યો છે. વર્ષ 2013-14માં 93 દિવસોની જગ્યાએ હવે 10 દિવસમાં રિફન્ડ મળી રહ્યું છે.