અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં આવેલા શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમએ આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન ‘આસામ કોપ’ પણ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ (CCTNS) અને VAHAN રાષ્ટ્રીય રજિસ્ટરના ડેટાબેઝમાંથી આરોપીઓ તેમજ વાહનો શોધવાની સુવિધા પૂરી પાડશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે પીએમએ ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. દેશ તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે તે સમયે જ ગુવાહાટી હાઇકોર્ટ પણ તેની સ્થાપનાનાં 75 વર્ષ પૂરાં કરી રહી છે તે વાતની નોંધ લઇને પ્ર પીએમએ કહ્યું હતું કે, આ સમય અનુભવને જાળવી રાખવાનો છે અને નવા લક્ષ્યો સિદ્ધ કરવા માટે જવાબદારી તેમજ ઉત્તરદાયિત્વપૂર્ણ ફેરફારો કરવા માટે આગામી પગલું ભરવાનો છે. ગુવાહાટી હાઇકોર્ટના અધિકારક્ષેત્રનો વિસ્તાર સૌથી મોટો છે જેમાં પડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડનો પણ સમાવેશ થાય છે તે વાતની નોંધ લઇને પીએમએ ટિપ્પણી કરી હતી કે, “ગુવાહાટી હાઇકોર્ટનો પોતાનો પણ વારસો અને ઓળખ છે”. પ્રધાનમંત્રીએ ગુવાહાટી હાઇકોર્ટ સાથે સંકળાયેલા સમગ્ર પૂર્વોત્તરના સમૃદ્ધ ઇતિહાસ અને લોકશાહી વારસા પર પ્રકાશ પાડતી વખતે નિર્દેશ કર્યો હતો કે, 2013 સુધી, ગુવાહાટી હાઇકોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ સાત રાજ્યો આવતા હતા. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સમગ્ર પૂર્વોત્તરના રાજ્યોની સાથે સાથે આસામ રાજ્યને, જેમાં ખાસ કરીને કાયદાકીય સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા. આજે બાબાસાહેબની જયંતિના મહત્વની નોંધ લેતા પીએમએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાનતા અને એકતાના બંધારણીય મૂલ્યો આધુનિક ભારતનો પાયો છે.
પીએમએ ગયા વર્ષના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભારતના મહત્વાકાંક્ષી સમાજ વિશેના તેમના વિગતવાર સ્પષ્ટીકરણને યાદ કર્યું હતું. પીએમએ ટાંક્યું હતું કે, 21મી સદીમાં ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અમાપ છે અને લોકશાહીના આધારસ્તંભ તરીકે ન્યાયતંત્ર આ આકાંક્ષાઓને પૂરી કરવામાં મજબૂત અને સંવેદનશીલ ભૂમિકા ભજવે છે. બંધારણ પણ આપણી પાસેથી એક મજબૂત, ગતિશીલ અને આધુનિક કાયદાકીય વ્યવસ્થાનું નિર્માણ થાય તેવી અપેક્ષા રાખે છે. પીએમએ વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારીની સંયુક્ત જવાબદારીને રેખાંકિત કરીને જૂના કાયદાઓને નાબૂદ કરવામાં આવ્યા છે તેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “અમે હજારો જુનવાણી કાયદાઓને રદ કર્યા છે, અનુપાલનનો બોજ ઘટાડ્યો છે”. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, આવા લગભગ 2000 કાયદા અને 40 હજારથી વધુ અનુપાલન બંધ કરવામાં આવ્યા છે. આની સાથે સાથે વ્યવસાયની સંખ્યાબંધ જોગવાઇઓનું નિરાપરાધીકરણ કરવામાં આવ્યું હોવાથી અદાલતોમાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.
પીએમએ ટિપ્પણી કરી હતી કે, “વાત સરકારની હોય કે પછી ન્યાયતંત્રની, દરેક સંસ્થાની ભૂમિકા અને તેની બંધારણીય જવાબદારી સામાન્ય નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ સાથે જોડાયેલી છે”. ઇઝ ઓફ લિવિંગની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ટેકનોલોજી એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે તે વાત પર પ્રકાશ પાડતા પીએમએ જણાવ્યું હતું કે, સરકાર દરેક સંભવિત ક્ષેત્રમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તેવું સુનિશ્ચિત કરી રહી છે. પીએમએ DBT, આધાર અને ડિજિટલ ઇન્ડિયા મિશનનું ઉદાહરણ આપીને આગળ જણાવ્યું હતું કે, દરેક યોજના ગરીબોના અધિકારો સુનિશ્ચિત કરવાનું માધ્યમ બની ગઇ છે. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાને સ્પર્શતા, પીએમએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતે મિલકતના અધિકારોના મુદ્દા પર કામ કરતી વખતે મોટી આગેવાની લીધી છે. આ મુદ્દાના કારણે દેશની કાયદાકીય વ્યવસ્થા પર બોજ આવી ગયો હતો. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, વિકસિત રાષ્ટ્રો પણ મિલકતના અસ્પષ્ટ અધિકારોની સમસ્યાનો કામ કરી રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, દેશના 1 લાખ કરતાં વધુ ગામડાઓનું ડ્રોન મેપિંગ અને લાખો નાગરિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પહેલાંથી જ પૂરું કરી દેવામાં આવ્યું છે. આના પરિણામે મિલકત સંબંધિત કેસોમાં ઘટાડો થશે અને નાગરિકોનું જીવન વધુ સરળ બનશે.
દેશમાં ન્યાય વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગનો અમર્યાદિત અવકાશ રહેલો છે તેવું પીએમને લાગ્યું હતું. પીએમએ સર્વોચ્ચ અદાલતની ઇ-સમિતિના કામની પ્રશંસા કરીને આ વર્ષના અંદાજપત્રમાં જાહેર કરવામાં આવેલા ઇ-કોર્ટ મિશનના ત્રીજા તબક્કા વિશે ઉપસ્થિતોને જણાવ્યું હતું. તેમણે કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ન્યાય પ્રણાલીમાં AIનો ઉપયોગ કરવાના વૈશ્વિક પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે AI દ્વારા સામાન્ય નાગરિક માટે ન્યાયની સરળતા (ઇઝ ઓફ જસ્ટિસ) સુધારવા માટેના પ્રયત્નો વધારવાનો પણ પ્રયાસ કરવો જોઇએ”.
પીએમએ વૈકલ્પિક વિવાદ નિવારણ પ્રણાલી વિશે વાત કરતી વખતે પૂર્વોત્તરની સમૃદ્ધ સ્થાનિક પરંપરાગત વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિના મુદ્દાને સ્પર્શ કર્યો હતો. તેમણે હાઇકોર્ટ દ્વારા રૂઢિગત કાયદાઓ અંગે 6 પુસ્તકો બહાર પાડવામાં આવ્યા તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે એવો પણ અનુરોધ કર્યો હતો કે, કાયદાની શાળાઓમાં પણ આ પરંપરાઓ ભણાવવામાં આવે.
પીએમએ જણાવ્યું હતું કે, દેશના કાયદાઓ વિશે નાગરિકોમાં યોગ્ય જ્ઞાન અને સમજણ એ ન્યાયની સરળતા (ઇઝ ઓફ જસ્ટિસ)નો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે દેશ અને તેની વ્યવસ્થામાં નાગરિકોનો વિશ્વાસ વધારે છે. પીએમએ તમામ કાયદાઓની વધુ સુલભ સરળ આવૃત્તિ બનાવવાના પ્રયાસો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સરળ ભાષામાં કાયદાનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ અભિગમ આપણા દેશની અદાલતો માટે ખૂબ મદદરૂપ બની રહેશે”. પીએમએ ભાષિની પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને તેમની પોતાની ભાષામાં ઇન્ટરનેટ ઍક્સેસ કરવામાં મદદ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, આનાથી અદાલતોને પણ ફાયદો થાય છે.
જેઓ વર્ષોથી નાના ગુનાઓમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમની પાસે સંસાધનો કે પૈસા નથી તેવા લોકો પ્રત્યે સરકાર અને ન્યાયતંત્ર સંવેદનશીલ વલણ અપનાવે તે જરૂરિયાત પર પણ પીએમએ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે એવા લોકોની પણ નોંધ લીધી હતી જેમના પરિવારો કાનૂની પ્રક્રિયાઓ પૂરી થઇ ગયા પછી તેમને સ્વીકારવા માટે તૈયાર ન હતા. પીએમએ જણાવ્યું હતું કે આ વર્ષના અંદાજપત્રમાં આવા કેદીઓ માટે નાણાકીય સહાયની જોગવાઇ કરવામાં આવી છે જેમાં તેઓ જેલમાંથી મુક્ત થાય તે વખતે તેમને મદદ કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્યને તેમની આર્થિક મદદની રકમ આપવામાં આવશે.
પીએમએ એક શ્લોકને ટાંકીને કહ્યું હતું કે, “જેઓ ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે” અને રેખાંકિત કર્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું કાર્ય સર્વોપરી રહે તે આપણો ‘ધર્મ‘ છે અને એક સંસ્થા તરીકે આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં રેખાંકિત કર્યું હતું કે, આ વિશ્વાસ જ દેશને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સુધી લઇ જશે.