Site icon Revoi.in

ગુજરાતમાં આપણે એવું વાતાવરણ બનાવીએ કે, ક્રાઈમ થાય જ નહીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટેની સમાન  વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકશે.તેમણે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં.

મુખ્યમંત્રીએ આ તકે એમ પણ કહ્યું કે, ગુન્હો- ક્રાઈમ કર્યો હોય એટલે સજા આપવાનો રવૈયો આપણે ત્યાં છે પરંતુ ગુનેગારને સુધરવાનો અવકાશ રહે તેવી સમાજમાં ઉદાહરણ રૂપ કામગીરીની પણ પોલીસ દળ પાસે અપેક્ષા છે. તેમણે ઉમેર્યું કે, આવી ક્રાઈમ કોન્ફરન્સમાં મુક્ત મને ચર્ચાઓ થાય અને તેનો નિષ્કર્ષ સમાજની શાંતિ, સુરક્ષા માટે વધુ પરિણામકારી બને તે જરૂરી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારથી આજ સુધીની જર્ની સુદ્રઢ કાયદો વ્યવસ્થાની રહી છે. તેથી જ ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાત પોલીસ દળનું આ માટે મહત્વનું યોગદાન રહ્યું છે અને જેટલું સારું થયું છે, તેનાથી વધુ ઉત્તમ કઈ રીતે થાય તેવો પ્રયત્ન પોલીસ દળ કરે તેવું આહવાન મુખ્યમંત્રીએ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની આગવી પહેલરૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’નું પણ લોન્ચિંગ આ અવસરે કર્યું હતું. નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય તે માટે દર બે માસે પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ/ચોકી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ સમુદાયના ઓછામાં-ઓછા 20 નાગરિકો સાથે મીટીંગ કરી “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અન્વયે ચર્ચા કરી મીટીંગને લગતી વિગતો અને મીટીંગના મુદ્દા તથા થયેલી ચર્ચાની મીનીટ્સ નોટ્સ તૈયાર કરી આ પોર્ટલ પર અપલોડ કરાશે.

આ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવેલી તમામ મીટીંગની વિગતોનું સંકલન પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-1 સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્રારા કરવામાં આવશે અને આ તમામ હકીકતો પોલીસ મહાનિદેશકના ધ્યાને મુકીને પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ સાધવાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાશે. મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સથી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા પોલીસતંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસ માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી જ નહિ, કોવિડ જેવા કપરા સમય માં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં  ખડે પગે રહી છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. વ્યાજખોરોથી મુક્તિ, સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે.

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ આ કોન્‍ફરન્‍સને સંબોધન કરતાં કહ્યું કે, રાજ્યની સુરક્ષા અને શાંતિ પોલીસ તંત્રની એક સૂત્રતાને આભારી છે. રાજ્ય સરકાર આ ક્રાઈમ કોન્ફરન્સ થકી અનેક નવા પ્રયાસો કરવા જઈ રહી છે. પ્રથમવાર એવું બન્યું છે કે આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ શહેરોના તમામ ડીસીપી અને ગૃહ વિભાગના વડાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. સંઘવીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું પોલીસ તંત્ર સાયબર ગુનાઓ, આધાર સ્કેમ, મહિલાઓ પરના અત્યાચાર જેવા અનેક ગુનાઓ અને સમાજ વિરોધી કૃત્યોને ડામવા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. આ કોન્ફરન્સ રાજ્યના પોલીસ તંત્રને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અદ્યતન બનવા માટે મહત્વની સાબિત થશે. ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનેગારોને સજા અપાવવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થઈ શકે તે સંદર્ભે આ કોન્ફરન્સમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે.

પોલીસ મહાનિદેશક  વિકાસ સહાયે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું કે, સમગ્ર પોલીસ તંત્ર સમય સાથે અપડેટ થઈ ગુજરાતની સુરક્ષામાં વધારો કરવા સજ્જ છે. પોલીસની કામગીરીમાં નેતૃત્વનું ખૂબ જ મહત્વ હોય છે તેમ જણાવી  સહાયે ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્ય પોલીસ તંત્ર શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે.