અમદાવાદઃ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે.પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના મહત્વના ૮૦ ચુકાદાઓ પર તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એકમાત્ર બાર કાઉન્સિલ છે જેણે ટેકનોલોજીને અપનાવીને એક નવીન પહેલ આરંભી છે. બાર કાઉન્સિલે આજે મારા ચુકાદાઓનું પુસ્તક લોન્ચ કર્યું છે, જે મારું સૌભાગ્ય છે. બાર અને બેન્ચ વચ્ચેનો તાલમેલ જળવાઈ રહે અને ન્યાય વ્યવસ્થા વધુને વધુ મજબૂત થાય એ આપણા સૌના સહિયારા પ્રયાસ હોવો જોઈએ. આપણે સૌએ ન્યાય સંહિતા અને ન્યાય વ્યવસ્થાની ગરિમા જાળવી રાખવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
આપણે સૌ ન્યાય વ્યવસ્થાના પ્રહરી છીએ એમ જણાવીને એમણે ઉમેર્યું કે, આપણે સમાજના લોકોને ન્યાય અપાવવા કાર્ય કરી રહ્યા છીએ. બાર એ બેન્ચ અને ન્યાય ઈચ્છતા લોકો વચ્ચેનો સેતુ છે. આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ અને ઈમાનદારી પૂર્વક આપણું કાર્ય કરવું જોઈએ. નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવતા ગૌરવની લાગણી અનુભવતા કાયદા અને ન્યાયતંત્ર મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યાય તંત્ર લોકશાહીનો પાયો છે. તે લોકશાહીને ધબકતી રાખે છે. લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલોની ખૂબ મોટી ભૂમિકા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં વકીલો અને બાર એસોસિએસન્સના કલ્યાણ અર્થે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે એમ જણાવીને મંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૧૦-૧૧માં પ્રથમ વખત તમામ બાર એસોશિએસનને ઇ-લાઇબ્રેરી માટે રૂપિયા બે કરોડ પચીસ લાખની સહાય પૂરી પાડી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં જેમ વકીલોને બેસવા માટે અલગ વ્યવસ્થા અને બિલ્ડિંગ છે. બરોડા અને રાજકોટ ખાતે પણ તે મુજબના અલાયદા બિલ્ડિંગની વ્યવસ્થા વકીલો માટે ઉભી કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા વકીલ મંડળની માંગણીઓ સંદર્ભે હંમેશા હકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે. રાજ્યમાં તાલુકાથી લઈને હાઇકોર્ટ સુધી ન્યાયક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા રાજ્ય સરકારે હંમેશા તત્પરતા દાખવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. લોન્ચ કરાયેલ નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશન વિશે વાત કરતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજના ટેક્નોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં જયારે મોબાઈલ તથા કોમ્પ્યુટરના માધ્યમથી દરેક માહિતી ત્વરિત મેળવી શકાય છે, ત્યારે વકીલોને અપડેટેડ રાખવાના ઉદ્દેશ સાથે નવી વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન બનાવીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાચા અર્થમાં માતૃસંસ્થા બનવા સાથે સમયની સાથે ચાલી રહયું છે.
નવી લોન્ચ થયેલી ગુજરાત લો હેરાલ્ડની વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશનથી ગુજરાત રાજયના વકીલો નામદાર વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓથી અવગત થશે, તથા રાજય તથા કેન્દ્રના કાયદાઓની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. સાથે જ, મંત્રીશ્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા ઉપસ્થિત વકીલમિત્રોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીન ટેક્નોલોજીના ઉપયોગ માટે પણ આહ્વાન કર્યું હતું.
એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પ્રસંગનો ભાગ બનવું એ મારું સૌભાગ્ય છે. આજનો સમય પરિવર્તનનો સમય છે. આજે વિશ્વ ગ્લોબલ વિલેજ બન્યું છે. માહિતીનો બહોળો પ્રચાર પ્રસાર અને નવીન ડિજિટલ ટેકનોલોજીએ દરેક ક્ષેત્રની જેમ કાયદા ક્ષેત્રને પણ પ્રભાવિત કર્યું છે. આજે ન્યાયક્ષેત્ર પણ લેટેસ્ટ ટેક્નોલોજીને અપનાવીને આગળ વધી રહ્યું છે. આવનારા સમયમાં હાઈકોર્ટને પેપરલેસ કોર્ટ બનાવવાનો પણ લક્ષ્યાંક છે. બાર અને બેન્ચ બંને એકબીજાના પૂરક છે અને બંનેએ એકબીજા સાથે હકારાત્મક સંતુલન બનાવીને ન્યાયતંત્રને વધુ મજબૂત કરવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે.પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સિલ દેશમાં ટેકનોલોજી ક્ષેત્રે નવીન ઉપક્રમો લોન્ચ કરીને ન્યાય વ્યવસ્થાને વધુ સરળ અને સુલભ બનાવવા અગ્રેસર છે. ગુજરાત હાઇકોર્ટ અને બાર કાઉન્સિલના ઘણાં વકીલો અને ન્યાયમૂર્તિઓએ સુપ્રીમ કોર્ટમાં કામ કરીને ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત બાર કાઉન્સિલનું નામ રોશન કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.