ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું : નીતિન પટેલ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે કાયદો બનાવ્યો છે. હવે દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. દરમિયાન તાજેતરમાં વડોદરામાં ચૂંટણીસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવજેહાદના કાયદો લાવવામાં આવશે. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લવજેહાદના કાયદા અંગે નિવેદન આપ્યું છે. અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ કરી છે. કોંગ્રેસની સરકારમાં ગુંડાતત્વો બેફામ હતા. ભાજપ સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી. ભાજપની સરકારમાં અનેક વિકાસના કામો કર્યા છે. UPA સરકાર હોત તો રામ મંદિર ન બન્યું હોત.
અત્રે ઉલ્લેખની છે કે, અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં હાલ ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. જેથી તમામ રાજકીયપક્ષો દ્વારા અંતિમ ઘડીએ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.