અમદાવાદ : રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાતા મોટાભાગના ખેડુતોએ વાવણી કરી લીધા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યના મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ નથી.અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ નથી. રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જો કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં 15 જુલાઇ સુધી રાજ્યમાં 20 મી.મી વધારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી.
ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી છે. તેવામાં જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ પણ વધ્યો છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં થોડા દિવસ વરસાદની રાહ જોવી પડશે. જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનામાં ચોમાસું હોય છે. આ દરમિયાન ચોમાસામાં પવનોના લીધે સમગ્ર દેશમાં વરસાદ થાય છે. જો કે આ દરમિયાન એક કે બે અઠવાડીયા સુધી વરસાદ પર બ્રેક લાગતી હોય છે. જેને મોનસુન બ્રેક કહેવામાં આવે છે. હવામાનને વરતારો આપતી ખાનગી એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં 15 જુલાઇ સુધી રાજ્યમાં 20 મી.મી વધારે વરસાદની શક્યતા નથી.
છેલ્લા બે સપ્તાહથી ચોમાસાના વાદળોના આગળ વધવા પર બ્રેક લાગી ચૂકી છે. આની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણ માનવામાં આવે છે. આ કારણથી પશ્ચિમની તરફથી ઝડપી અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો પૂર્વની તરફથી આવનારા ચોમાસાના પવનોને બ્લોક કરીને આગળ વધતા રોકી રહ્યા છે. આ જ કારણથી ચોમાસાના પવનો આગળ વધી શકતા નથી. 7 જુલાઈ સુધી દેશમાં આવી જ ગરમીનો સામનો કરવો પડશે. 7 જુલાઈ પછી બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાવાની સંભાવના છે. આશા છે કે તેના પછી ચોમાસુ ગતિ પકડશે.