હમ નહીં સુધરેંગે, ચાર મહિનામાં અમદાવાદીઓએ કરફ્યુ અને ટ્રાફિક નિયમનો ભંગ કરી 1.30 કરોડનો દંડ ભર્યો
અમદાવાદ: શહેરીજનોએ છેલ્લા ચાર મહિનામાં ટ્રાફિક અને કરફ્યુ ભંગ બદલ રૂપિયા 1.30 કરોડથી વધુ દંડ ભર્યો છે. કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. તો બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે પણ લોકો સુધારવા માંગતા નથી. લોકો કરફ્યૂના નિયમોનું પાલન કરતા નથી સાથે ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી તૈસી કરી રહ્યા છે. પરંતુ નિયમનોનું પાલન ન કરવું કેટલાક લોકો માટે ભારે પડી રહ્યું છે. રાત્રી દરમિયાન કામ વગર નીકળતા લોકો તેમજ નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં જેમાં છેલ્લા 4 મહીના આરટીઓમાં 7659 કેસ નોંધાયા હતા અને 1 કરોડ 30 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કરફ્યુ ભંગ અને ટ્રાફિક ભંગના જાન્યુઆરીમાં 3803 કેસ નોંધાયા હતા. જેની સામે 65 લાખ 65 હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં 1662 કેસ નોંધાયા હતા. જેની સામે 28 લાખ 31 હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 1752 કેસ નોંધાયા હતા. જેની સામે 31 લાખ 95 હજારદંડ વસૂલવામાં આવ્યો હતો. એપ્રિલમાં 442 કેસ નોંધાયા હતા. જેની સામે 6 લાખ 30 હજારદંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘવારીના કારણે એક બાજુ વાહનોની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.દર મહિને 14 થી 15 હજાર વાહનો રજીસ્ટ્રેશન થતા હતા તે ઘટીને 7 હજાર થઈ ગયા છે. એપ્રિલ 2021ના મહિનામાં 7904 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે.જેમાંથી 4780 ટુ વહીલર રજીસ્ટ્રેશન થયા છે. વાહન રજીસ્ટ્રેશનની સંખ્યા ઘટતા આરટીઓ ની આવક ઘટી છે.પરંતુ બીજી તરફ આરટીઓ દંડની મસમોટી આવક થઈ રહી છે. કારણ કે છેલ્લા 4 મહિનામાં 1 કરોડ 30 લાખ થી વધુની આવક થઈ છે.