આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી ઉચ્ચારતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને હેરાન પરેશાન અને બરબાદ કરનાર વ્યાજખોરો ગુજરાત છોડીને ચાલ્યા જાય. રાજ્ય સરકાર દ્વારાકડકમાં કડક પગલાં લઈને ઊંચું વ્યાજ લેનારાઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. સરકારના આ અભિયાનમાં મંત્રીએ આમ જનતાનો પણ સાથ માગ્યો હતો. કોઈપણ જાતની બીક રાખ્યા વગર જો કોઈ ડાયરીવાળાઓ તમને ત્રાસ આપતા હોય તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શ્રી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતેથી આણંદ જિલ્લાના નવ નિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ ક્વાર્ટર્સ અને જોળ ખાતે નવનિર્મિત સ્ટેટ આઈ.બી. કચેરીનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે વ્યાજખોરીના દૂષણ સામેની લડાઈમાં પ્રજા પણ સાથ આપે તે જરૂરી છે અભિયાનની શરૂઆત કરીને પોલીસ વિભાગે માતાનું મંગળસૂત્ર પરત અપાવ્યું છે પોતાના સપનાનું ઘર પરત અપાવ્યું છે અને સામાન્ય અને મધ્યમ પરીવાર વર્ગ જે હેરાન થતો હતો તેમને નવું જીવન આપ્યું છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો, 17 થી વધુ લોક દરબારો કરીને જિલ્લાના હજારો નાગરિકોની પીડા સાંભળી અને તેનું નિવારણ કર્યું, જેમાં 500થી વધુ કિસ્સાઓમાં એવા પરિવારો કે જે વ્યાજ ખોરીના ચૂંગલમાં ફસાઈ ગયા હતા તેમને તેમાંથી મુક્ત કરાવી અને ફરીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટેના માર્ગ પર લાવવા માટે આણંદ પોલીસ અભિનંદનને પાત્ર છે.
મંત્રીએ ભાલેજ ખાતે નવનિર્મિત 25 રૂમના પોલીસ ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું તથા ભાલેજ પોલીસ લાઈનના બાર મકાનોનું પણ તેમણે ઈ લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ ભવન રૂ. 4.36 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.2.47 કરોડના ખર્ચે જોળ ખાતે સ્ટેટ આઈ બી કચેરી, આણંદનું પણ તેમણે ઈ- લોકાર્પણ કર્યું હતું.
આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પમાં બેંકના સહયોગથી લાભાર્થીઓને જે રકમ મંજૂર કરવામાં આવી હતી, તે પૈકી 13 લાભાર્થીઓને ચેકનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.