સુરતઃ રાજ્યમાં કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત દોડી આવ્યા હતા. અહીંયા એમણે સ્થિતિની સમીક્ષા કરી અને સુરતમાં સંજીવની રથની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. સુરતમાં ખાનગી નર્સિંગ હૉમમાં કોવીડ ટ્રીટમેન્ટ આપવાની છૂટ આપી છે. માઇલ્ડ અને એ-સિમ્પટોમેટિક દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ટેસ્ટીંગ, ટ્રેસીંગ ફોર્મ્યૂલા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે ‘આપણે માસ્ક પહેરવાના છે અને કોરોના સામે લડવા વેક્સીન લેવાની છે. રૂપાણીએ હાઇકોર્ટની લોકડાઉન અથવા તો કર્ફ્યૂની ટકોર અંગે કહ્યું કે ગાંધીનગર જઈને કોર ગ્રુપની મીટિંગમાં ચર્ચા કરીશું. હાઇકોર્ટની જે લાગણી છે તેમાં લોકોને સમસ્યા ન થાય, કોરોના પણ વધુ ન ફેલાય તેવી રીતે યોગ્ય નિર્ણય કરીશું. હાલમાં લોકો કામ પૂરતાં જ બહાર નીકળે તેવી અપેક્ષા છે.
રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. જેમાં સુરતમાં સૌથી વધુ કેસો નોંધાતા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા હતા. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઇને કલેક્ટર કચેરી ખાતે બેઠક તાકિદની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જેમાં સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરીને જરીરી સુચનાઓ આપવામાં આવી હતી.
રાજ્યમાં સૌથી વધુ કોરોનાનો વિસ્ફોટ સુરત શહેર અને જિલ્લામાં થઈ રહ્યો છે. કેસની સામે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને પગલે હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે. જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો હતો. આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને તબીબો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. સુરતની સ્થિતિ વધુ કથળતી હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સુરત દોડી આવ્યા હતા.. દરમિયાન લોકડાઉનની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું હતું.