સુરતઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. સુરતના કાપડ માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવે સુરતની સાડીઓની કિંમતોમાં રૂપિયા 50થી 100નો વધારો ઝીંકાયો છે. કાપડ બનાવવાની બધી જ પ્રક્રિયામાં જોબ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં જે વધારા કરવા પર વિચારણા કરવામાં આવી રહી હતી. તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં કાપડ બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જ સાડીઓની કિંમતમાં વધારો કરાયો છે. કાપડની તમામ ક્વોલિટી પર રૂ. 250 થી 1,000 સુધીની સાડીઓની કિંમત પર 100 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિના દરમિયાન કાપડના વેપારીઓ અને પ્રોસિંગ મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી જોબચાર્જ વધારવા માટે મડાગાંઠ ચાલી રહી હતી. જોકે મિલો બંધ થવાના ભયના પગલે આખરે જોબચાર્જનો ભાવ વધારો સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે તેની અસર તૈયાર કાપડના દર પર જોવા મળશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા 15 દિવસથી કાપડ માર્કેટના વિવિધ સંગઠનો દ્વારા વેપારીઓની મીટીંગ બોલાવીને કાપડના ભાવમાં 25 ટકા સુધીનો વધારો કરવા ચર્ચા કરવામાં આવી હતી. પણ હવે દિવાળીની રજાઓ નજીક આવતા વેપારીઓ દ્વારા વેપારનો હિસાબ કરીને રજાઓ પર ઉતરવાની તૈયારી થઇ રહી છે. તેવામાં દિવાળી પછી સાડીની કિંમતોમાં વધારો થશે. સાઉથ ગુજરાત ટ્રેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે બીજી તરફ કોલસાના ભાવમાં વધારો થયો હોવાથી પ્રોસેસિંગના ભાવમાં પણ વધારો થયો છે. આ સાથે જ પેકેજીંગ ચાર્જ, યાર્નના દર, ગ્રે કાપડના ભાવમાં પણ 20 થી 40 ટકા સુધીનો વધારો થયો હોવાથી ટ્રેડર્સને પણ મુશ્કેલી પડી રહી હોવાથી સાડીની કિંમતોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી સાઉથ ગુજરાત ટ્રેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા 300 થી 400 રૂપિયાની સાડીની કિંમત પર 30 થી 50 રૂપિયા અને 1,000 રૂપિયાની સાડી પર 100 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. દિવાળીની રજાઓ બાદ 11 નવેમ્બરે ઉઘડતા માર્કેટની સાથે કાપડના દરમાં ભાવ વધારોનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે સુરતની સાડીઓ ખરીદવી લોકોને મોંઘી પડશે, એ નક્કી છે.