અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ગઈકાલે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું છે. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટમાં 40.9, ડાંગમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.3, ભુજમાં 39.8, છોટાઉદેપુરમાં 39.6, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ ગરમી 38 થી 41 ડીગ્રી વચ્ચે પહોંચી છે. ધનસુરા, બાયડ અને મોડાસા સહિતના ગામોમાં ગરમીનો પારો વધતા લોકો બપોરે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
રાજ્યમાં માર્ચ મહિનાના આરંભ સાથે જ આકાશમાંથી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ હતી. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો છે. જેથી બપોરના સમયે લોકો કામ વિના ઓફિસ અને ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ઉનાળો વધારે આકરો બને તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વાદળછાયુ વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આકાશ વાદાળછાયુ પણ રહ્યું હતું.
ગુજરાતમાં રવિવારે અમદાવાદ સહિત 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. જેમાં ભાવનગરના મહુવા અને અમરેલી 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત પાંચ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જેમાં કેશોદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં ક્રમશઃ 41.1 અને 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે.