અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલીયામાં નોંધાઈ હતી, નલીયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી, રાજકોટમાં 19,4 ડિગ્રી, ડીસામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન ડ્રાય વાતાવરણ રહેશે એવું બુલેટિનમાં જણાવ્યું છે, પણ કેટલાક હવામાન વિભાગના નિષ્ણાતોના કહેવા મુજબ જાન્યુઆરીના અંતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અને કેટલાક વિસ્તારોમાં માવઠું પણ પડી શકે તેમ છે.
હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ જાન્યુઆરીના અંતમાં ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત સર્જાશે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, તેથી ગુજરાત માવઠું પડી શકે છે. તેમજ આગામી તા, 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે. જેથી કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવારે કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો જ્યારે કેટલાક શહેરોમાં ગગડ્યો હતો. ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.
હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.