મુંબઈમાં વિકેન્ડ લોકડાઉનઃ જનજીવન ઠપ્પ, ઈમરજન્સી સેવાઓ ચાલુ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા વીકએન્ડમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આજે સવારથી જ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વાહન-વ્યવહાર સહિત તમામ વેપાર ધંધા બંધ રહ્યાં હતા. જેથી માર્ગો સુમસામ બન્યાં હતા. બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન નો અમલ ગઈકાલે સાંજથી શરૂ થઇ ગયો છે અને હાલ મુંબઈ સુમસામ ભાસી રહ્યું છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર મુંબઈમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે. મુંબઈમાં લોકડાઉનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. દરમિયાનમાં 24 કલાકમાં મુંબઈમાં 9 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 35 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. મુંબઈના લગભગ તમામ દવાખાના હાઉસફૂલ થઇ ગયા છે અને હવે ઓક્સિજનની અછતની ફરિયાદો ઉઠી છે. આવી જ રીતે કોરોના ટેસ્ટકીટ પણ ઓછી હોવાથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજે અને આવતીકાલે પણ બંધ રહેશે અને આ દરમિયાન રસીકરણ ની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.