યાત્રાધામ અંબાજીમાં પ્રસાદના વધુ ભાવ લેવાતા તોલમાપના દરોડાઃ ત્રણ વેપારી દંડાયા
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં તોલમાપ વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રસાદના વધારે ભાવ લેતાં ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટની લાગણી પ્રસરી હતી. જોકે એકાએક હાથ ધરાયેલ કાર્યવાહીને લઈ કેટલાક વેપારીઓ છૂમંતર થઈ જવા પામ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રિકો સાથે કેટલાક પ્રસાદના વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ અને છેતરપિંડી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોમાં વેપારીઓ દ્વારા પ્રસાદના વધારે ભાવ લેવાતા હોવાથી ફરિયાદ ઊઠી હતી. ફરિયાદને લઈ તોલમાપ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા તોલમાપ વિભાગના અધિકારીએ જણાવ્યા હતું કે, અંબાજીમાં કુલ 15 જેટલા એકમોની તપાસ કરતા ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં રજીસ્ટ્રેશન ન હોવા સાથે ભાવ વધુ લેવાની ખામી બહાર આવતા 18 હજાર જેટલો દંડ કરવામાં આવ્યો હતો. જોકે એકાએક હાથ ધરાયેલ ચેકિંગની અન્ય કેટલાક ગુનાહિત વેપારીઓને જાણ થઈ જતા તેઓ ટપોટપ દુકાનો બંધ કરી છૂમંતર થઇ ગયા હતા.
અંબાજીમાં આવતા યાત્રિકો ન છેતરાય તેમજ યાત્રાધામની ખોટી છાપ ન લઈ જાય તે માટે હવે વારંવાર ચેકિંગ હાથ ધરવામાં આવશે.જોકે તેમણે કાયદાની જોગવાઈ મુજબ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ભાવ વધુ લેવામાં રૂ.2000, રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રૂ.4000, ભાવનું ડેક્લેરેશન ન કરાવ્યું હોય તો રૂ.25000 અને વજન ઓછું હોય તો રૂ.3000 માટે દંડની જોગવાઈ છે.