જાણીતા યોગ ગુરુ સ્વામી આધ્યાત્માનંદનના નિધનને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- યોગ ગુરુ સ્વામી આધ્યાત્માનંદનું નિધન
- કોરોના પોઝિટિવ બાદ ચાલી રહી હતી સારવાર
- વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, અનેક જાણીતી હસ્તીઓને કોરોના ભળખી ગયો છે ત્યારે હવે ખૂબ જ જાણીતા યોગગુરુ સ્વામી આધ્યાત્મનંદનું શનિવારના રોજ અમદાવાદમાં 77 વર્ષની વયે કોરોનાના કારણે નિધન થયું છે, તેઓ અમદાવાદમાં શિવાનંદ આશ્રમના વડા હતા. આશ્રમના ટ્રસ્ટી દ્રારા જાણવા મળતી વિગતો અનુસાર સ્વામીજીને કોરોના થતા 13 એપ્રિલના રોજ શહેરની એસીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શનિવારે સવારે 11 વાગ્યે આસપાસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
આશ્રમ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વામી અધ્યાત્મનંદે વિશ્વભરમાં 814 શિબિર યોજીને યોગ, પ્રાણાયામ અને ચિંતનને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે વર્ષ 1999 માં ન્યુ મેક્સિકોના ચિયાપાસમાં આયોજિત વર્લ્ડ પીસ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ઈન્ડિયા કેનેડા કલ્ચરલ એન્ડ હેરિટેજ એસોસિએશન દ્વારા તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘યોગગુરુ સ્વામી આધ્યાત્મનંદ જીના નિધનનાં સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. આધ્યાત્મિકતા જેવા ઊંડા વિષયને તેમણે સરળ શૈલીમાં સમજાવ્યા. હું સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે યોગ શીખવવા ઉપરાંત, અમદાવાદના શિવાનંદ આશ્રમની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવા કરી હતી. ઓમ શાંતિ! ‘