દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વિભાગના મુખ્ય કાર્યાલય પાસે શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવને પગલે શિક્ષણ વિભાગની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સરકારને આડેહાથ લીધી હતી. શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને વિરોધ કરી રહ્યાં છે. ઝેરી દવા ગટગટાવનારી પાંચેય પ્રાથમિક શિક્ષિકા હોવાનું જાણવા મળે છે.
પોલીસે ફરિયાદ નોંધીને આરોપ લગાવ્યો છે કે, પશ્ચિમ બંગાળ પોલીસના એક કોન્સ્ટેબલ નાસિરૂદ્દીન સાથે શિક્ષકોએ ખરાબ વ્યવહાર કર્યો હતો. દરમિયાન વિકાસ ભવન પરિસરમાં સવારથી જ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિભાગના સરકારી કર્મચારીઓને છોડીને ભવનમાં આવનારા દરેક વ્યક્તિની પૃચ્છા કરવામાં આવી રહી છે. ઝેરી દવા ગટગટાવનારી પાંચેય શિક્ષિકાઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જે પૈકી એક શિક્ષિકાના પેટ સુધી ઝેર ફેલાયું હતું. તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યાં છે. દરમિયાન રાત્રિના સમયે એક શિક્ષિકાને કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો. આરોગ્ય વિભાગ શિક્ષિકાઓની આરોગ્ય ઉપર ધ્યાન રાખી રહ્યું છે.
ભાજપના નેતા દિલીપ ઘોશે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં શિક્ષકોને ઓછામાં ઓછો પગાર આપવામાં આવે છે. કોર્ટના આદેશ છતા તેમને મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું નથી. જો કોઈ સરકાર સામે મોં ખોલે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. સરકારનો વિરોધ કરનારા શિક્ષકોની ઘરથી દૂર બદલી કરવામાં આવે છે. શિક્ષિકાઓના આત્મહત્યાના પ્રયાસની ઘટના બાદ સરકારને વિચારવાની જરૂર છે.