પશ્ચિમ બંગાળ: પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી ગેટનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદરગાહ છે. તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. પેટ્રાપોલ (ભારત)-બેનાપોલ (બાંગ્લાદેશ), એ ભારત-બાંગ્લાદેશ માટે વેપાર અને પેસેન્જર ટ્રાફિક બંનેની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિ સરહદ ક્રોસિંગ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 70 ટકા જમીન આધારિત વેપાર (મૂલ્ય દ્વારા) આ ભૂમિ બંદરગાહ દ્વારા થાય છે. પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ, એ ભારતનું આઠમું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ઈમિગ્રેશન પોર્ટ પણ છે અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાર્ષિક 23.5 લાખથી વધુ મુસાફરોનું સંચાલન કરે છે.
પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ ખાતે બાંધવામાં આવેલ પેસેન્જર ટર્મિનલ બિલ્ડીંગ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમ કે વીઆઈપી લાઉન્જ, ડ્યુટી ફ્રી શોપ, બેસીસ મેડિકલ ફેસિલિટી, શિશુ આહાર ખંડ, ખોરાક અને પીણાના આઉટલેટ વગેરે. પ્રતિદિન 20 હજાર મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા અને એક જ છત નીચે ઈમિગ્રેશન, કસ્ટમ્સ અને સુરક્ષા સેવાઓ પૂરી પાડશે. મૈત્રી દ્વાર એ ઝીરો લાઇન પરનો સંયુક્ત કાર્ગો ગેટ છે, જેના પર બંને દેશોએ સહમતિ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, 9 મે 2023ના રોજ તેનો શિલાન્યાસ કર્યો હતો.
ભૂમિ બંદરગાહ પેટ્રાપોલ પર, દરરોજ લગભગ 600-700 ટ્રકોની અવરજવરને ધ્યાનમાં રાખીને, એલપીએઆઈ એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર મૈત્રી ગેટ નામના નવા સામાન્ય બીજા કાર્ગો ગેટની સ્થાપના કરી છે. કાર્ગો અવરજવર માટેના આ ગેટનો હેતુ બંને દેશો વચ્ચે માલસામાનના પ્રવાહને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે. ગેટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમ કે એએનપીઆર, બૂમ બેરિયર્સ, ફેશિયલ રેકગ્નિશન કેમેરા અને ભારતીય અને બાંગ્લાદેશી ટ્રકો માટે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો. કાર્ગો અવરજવર માટે આ એક સમર્પિત ગેટ હશે.