પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરહદ પાસેથી હથિયારોની દાણચોરીનો પર્દાફાશ, હથિયારો ઝડપાયા
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉત્તર 24 પરગણા જિલ્લામાં BSFની 68મી કોર્પ્સ, બોર્ડર ચોકી માધુપુરના સૈનિકોએ શસ્ત્રોની દાણચોરીને નિષ્ફળ બનાવી હતી. સૈનિકોએ ચાર વિદેશી બનાવટની પિસ્તોલ, આઠ મેગેઝીન અને 50 જીવતા કારતુસ જપ્ત કર્યા હતા. દાણચોરો આ હથિયારોને ભારતથી બાંગ્લાદેશ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પાસેથી હથિયારોનો જથ્થો મળી આવતા બીએસએફના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
BSF, દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારી GIG એકે આર્યએ જણાવ્યું કે, આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તારમાં તૈનાત 68મી કોર્પ્સની બોર્ડર પોસ્ટ માધુપુર ખાતે બની હતી. રાત્રે લગભગ 12.30 વાગ્યે, સૈનિકોએ સર્વેલન્સ કેમેરામાં ત્રણ લોકોને કેટલાક સામાન સાથે બાંગ્લાદેશ સરહદ પાસે જોયા હતા. સૈનિકોએ તેમને ચેતવણી આપી પણ તેઓ આગળ વધતા રહ્યા હતા. દરમિયાન પોલીસે ગોળીબાર કરતા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈને ગીચ ઝાડીઓમાંથી બાંગ્લાદેશ સરહદમાં પરત જતા રહ્યાં હતા. સુરક્ષા જવાનોએ તપાસ કરતા એક બેગ મળી હતી. જેમાંથી ચાર યુએસએ બનાવટની પિસ્તોલ, 8 મેગેઝીન અને 50 કારતુસ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલી વસ્તુઓ બગદાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. આ હથિયારો ભારતીય દાણચોરો દ્વારા રાખવામાં આવ્યા હતા, અને બાંગ્લાદેશી દાણચોરો તેને એકત્રિત કરવા માટે બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને બીએસએફના જવાનો અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ દાણચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.