પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 22મી ફેબ્રુઆરી બાદ થવાની શકયતા
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. તેમજ આગામી દિવસોમાં ચૂંટણીપંચ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે જવાના છે. આ દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. જેથી તા. 22મી ફેબ્રુઆરી બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રીલ-મે મહિનામાં યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચે પણ તૈયારીઓને આખરીઓપ આપી દીધો છે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ એક બાદ એક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યાં છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સહિંતા લાગૂ થઈ જશે. જે બાદ વિકાસલક્ષી યોજનાઓ જાહેર કરી શકાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.