નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી હતી. તોફાનીઓએ કેટલાક ઘરને આગચાંપી હતી. જેમાં લગભગ 10 જેટલી વ્યક્તિઓના મોત થયાં હતા. જેના પરિણામે ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ પીડિત પરિવારને મળીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતોને સહાયની જાહેરાત કરી છે. એટલું જ નહીં રાજ્યમાં બોમ્બ અને હથિયાર જપ્ત કરવા માટે અભિયાન શરૂ કરવા પોલીસને આદેશ કર્યો છે. તેમજ રામપુરહાટના અધિકારી ત્રિદીપ પ્રામાણિકને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દરમિયાન ટીએમસીના નેતાઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી. તેમજ રાજ્યપાલને હટાવવાની માંગણી કરી હતી. બીજી તરફ ટીએમસી કાર્યકરોના વિરોધ બાદ ભાજપના પાંચ સભ્યોએ બીરભૂમિ હિંસાગ્રસ્ત ગામની મુલાકાત લીધી હતી. તેમજ પીડિત પરિવારને મળ્યાં હતા. રામપુરહાટ પ્રકરણમાં ટીએમસીના નેતા અનિરુલ હુસૈનની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. પોલીસે તેને તારાપીઠની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. રામપુરહાટમાં હિંસા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સમગ્ર હિંસાગ્રસ્ત વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળતા રાજકીય માહોલ ગરમાયું છે. તેમજ આરોપીઓને ઝડપી લઈને આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર પરિસ્થિતિ ઉપર કેન્દ્ર સરકાર પણ નજર રાખી રહી છે.