પશ્ચિમ બંગાળ: સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ સામે EDની કાર્યવાહી, 6 સ્થળોએ દરોડા
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલી સંબંધિત કેસના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. શુક્રવારે EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો. જાણકારી અનુસાર તપાસ એજન્સી હાલમાં શાહજહાં શેખના ઘર અને અન્ય 6 સ્થળો પર દરોડા પાડી તપાસ રહી છે.
ED દ્વારા એક જૂના છેતરપિંડીના કેસમાં FIR નોંધ્યા બાદ ECIR દાખલ કરવામાં આવી હતી. હાલમાં ED હાવડા, બિરાટી, બિજયગઢ સહિત 6 સ્થળો પર સર્ચ કરી રહી છે. જ્યારે શાહજહાં શેખ જાન્યુઆરીથી ફરાર છે. 5 જાન્યુઆરીએ રાશન કૌભાંડ સંબંધિત સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે EDની ટીમ શાહજહાં શેખના પરિસરમાં પહોંચી તો તેના સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને શાહજહાં શેખના સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી હતી. જોકે, શાહજહાં શેખ પોતાની સંભવિત ધરપકડથી ડરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 17ની ધરપકડ કરી છે. સંદેશખાલીમાં 9 ફેબ્રુઆરીથી ભારે અરાજકતા છે.
વાસ્તવમાં આ વિસ્તારમાં શાહજહાં શેખનું વર્ચસ્વ છે. 8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. તેમજ સમગ્ર મામલે ભાજપ અને ડાબેરી પક્ષો દેખાવો કરી રહ્યાં છે અને સીએમ મમતા બેનર્જી ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે.