કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ સરકાર અને બોસ વચ્ચે તણાવભર્યા સંબંધ છે. તેમજ કેટલાક મુદ્દા ઉપર સરકાર અને રાજ્યપાલ ખેંચતાણ જોવા મળી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણુંક, રાજ્યના સ્થાપના દિવસ, કેન્દ્રની મનરેગા યોજનાની રકમ અને રાજકીય હિંસા મામલે ખેંચતાણ જોવા મળી છે. ટીએમસી કાર્યકરની હત્યાને લઈને ગત 16મી નવેમ્બરના રોજ બોસે કહ્યું હતું કે, બંગાળની રાજનીતિમાં હિંસાની સંસ્કૃતિ છે. કાયદો તેનું કામ કરશે, ચોક્કસ સમગ્ર મામલે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને રાજભવન પણ પોતાનું કર્તવ્ય નિભાવશે. હિંસા સામે આકરી કાર્યવાહી થવી જોઈએ, કાયદાકીય કાર્યવાહીની સાથે આપણે સમાજીક ઉપાય પણ અપનાવવા જોઈએ કેમ કે પશ્ચિમ બંગાળની રાજનીતિને હિંસા પ્રભાવિત કરી રહી છે. એટલે હિંસાની સંસ્કૃતિને બંધ થવી જોઈએ.
ચાલુ મહિનાના પ્રારંભમાં બોસે રવિન્દ્રનાથ ટાગોરની નામવાળી નવી પટ્ટિકાઓ લગાવવા મામલે યુનિવર્સિટીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત રાજભવનના નોર્થ ગેટનું નામ બદલીને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ગેટ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર બિમાન બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2011થી અત્યાર સુધીમાં 22 બિલને રાજભવન દ્વારા મંજુરી આપવામાં આવી નથી. જે પૈકી 6 બિલ વર્તમાનમાં સીવી આનંદના આધિન છે.